Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગોંડલના તેલના વેપારી સાથે ૨.૪૦ લાખની ઠગાઇ

પંદર દિવસમાં પેમેન્‍ટ થઇ જશે વિશ્‍વાસમાં લઇ ૯૨ તેલના ડબ્‍બા મંગાવ્‍યા : બોરસદના વેપારી કીરીટ પટેલ સામે ફરિયાદ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૯ : ગોંડલના વેપારીઓ જાણે ચીટીંગનો ભોગ બની રહ્યા હોય તેમ તાજેતરમાં પીઝા અને ઈ-બાઈકની એજન્‍સી લેવા જતાં બે વેપારી ઓનલાઈન ચીટીંગનો ભોગ બન્‍યા ની ઘટનાઓ હજુ તાજી છે ત્‍યાં ગઈકાલે વધુ એક સીંગતેલના વેપારી પાસેથી ૨.૪૦ લાખના સીંગતેલના ડબ્‍બા મંગાવી પૈસા નહીં ચૂકવી છેતરપીંડી કર્યાની બોરસદના વેપારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ગીતાનગર સત્‍યનારાયણ મંદિર સામે રહેતા કળણાલ કિશોરભાઈ વિરડીયા (ઉ.વ.૩૦) યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બોરસદના વેપારી અંકુર મનહરભાઈ કોટેચાનું નામ આપ્‍યું છે.

 ફરિયાદી ગોંડલ જામવાડી જીઆઈડીસીમાં સૌરાષ્‍ટ્ર ફુડ પ્રોટીન પ્રા.લિ. નામે સીંગતેલનું મીલ ધરાવે છે અને આરોપીના પિતા છેલ્લા આઠ વર્ષથી કૃણાલભાઇના કારખાનેથી સિંગતેલ મંગાવે છે.

ગત તા.૯/૬/૨૨ ના રોજ આરોપી અંકુરભાઈએ ફોન કરી બોરસદમાં રવિ કિરાણા સ્‍ટોર અને કિરીટ હરીભાઈ પટેલને ૪૬-૪૬ ડબ્‍બા સિંગતેલ જોઈએ છે તે મોકલાવો ૧૫-૨૦ દિવસમાં પેમેન્‍ટ થઈ જશે અને વોટ્‍સએપમાં જીએસટી નંબર પણ મોકલાવ્‍યો હતો ઓર્ડર મુજબ બંને પાર્ટીને રૂા.૨,૪૦,૭૦૨/- ની કિંમતના ૯૨ ડબ્‍બા સિંગતેલ અને બીલ મોકલાવ્‍યા બાદ અંકુરભાઈ પાસે કળણાલ વિરડીયા એ પૈસાની ઉઘરાણી કરાતા ગલ્લા તલ્લા કરવા લાગ્‍યા હતા અને આઠેક માસ સુધી ધક્કા ખવડાવ્‍યા બાદ ૨ લાખનો ચેક આપ્‍યો હતો જે પણ નાણાના અભાવે પરત ફરતા અંતે છેતરપીંડીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઈ જે.યુ. ગોહિલ સહિતનો સ્‍ટાફ ચલાવી રહ્યો છે. ફરીયાદી કળણાલભાઇના પિતા કિશોરભાઈ વિરડીયા સોમાના પ્રમુખ છે

(1:50 pm IST)