Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગોંડલ ગુંદાળા રોડની મહિલાઓ પાલીકાની બેધારી નીતિ સામે રણચંડીઓ બની

સોસાયટીઓમાં કચરો ભરી જવા ટિપર વાન આવતી ન હોય વ્‍યાપક રોષ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૯: ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર અનેક સોસાયટીઓ આવેલી છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા ઉદાસીન નીતિ રાખી સમયસર કચરો ભરવા માટે ટીપરવાન આવતી ન હોય અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા સોસાયટીની મહિલાઓ રણચંડી બની કચરાના ઢગલા રોડ ઉપર કરી ચકાજામ કરી દેતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુંદાળા રોડ પર આવેલ ગણેશ નગર, બ્રહ્માણી નગર સહિતની અનેક નવ વિકસિત સોસાયટીઓમાં પાંચ પાંચ દિવસથી નગરપાલિકા તંત્ર દ્વારા કચરો એકઠો કરવા માટે ટીપરવાન મોકલવામાં આવતી ન હોય વહાલા દવલાની નીતિની સામે મહિલાઓએ રણચંડી બની રોડ પર કચરા ફેકી ચકાજામ કરી દેતા ટ્રાફિકજામ સર્જાયો હતો બનાવના પગલે મહિલાઓએ જણાવ્‍યું હતું કે સ્‍થાનિક સુધરાઈ સભ્‍યોને અનેક રજૂઆત કરવામાં આવી હતી પણ માત્ર ગાડી આવી જશે ગાડી આવી જશે તેવા જવાબ આપવામાં આવતા હોય છે તેનો કોઈ નિરાકરણ ન આવતા આજે ના છૂટકે કચરાના ઢગલા ને રસ્‍તા પર ફેંકી ચકાજામ કરવાની ફરજ પડી છે જો હજુ પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેઓ રોષ વ્‍યક્‍ત કર્યો હતો.

(11:15 am IST)