Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ : ૨૧૯ ઉમેદવારો મેદાનમાં

કોર્પોરેશનની ચૂંટણી માટે હજુ આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ હોય સાંજે ચિત્ર સ્‍પષ્‍ટ થશે

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૯: ભાવનગર કોર્પોરેશન ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ હોય, આજે સાંજે ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થશે. ગઇ કાલે કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું.

ભાવનગર મહાનગરપાકિલા ચૂંટણી આગામી તા. ૨૧ મી ફેબ્રુઆરીએ યોજશે. ભાજપ, કોંગ્રેસ, આપ, એન.સી.પી., સી.પી.એમ સહિતનાં અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે. જ્‍યારે આજે ફોર્મ ચકાસણી હતી જેમાં ભાવનગર શહેરનાં કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર શીલ્‍પાબા રાણાનું ફોર્મ રદ થતા ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્‍યું હતુ કે મેન્‍ડેડમાં ભુલ અંગે તંત્રએ છેક સુધી ઉમેદવાર સુધી કોંગ્રેસના આગેવાનોને અંધારામાં રાખ્‍યા છે. વીડીયોગ્રાફી પણ ન થઇ શકે તે શંકાસ્‍પદ છે. આ સમગ્ર મામલો અમો હાઇકોર્ટમાં લઇ જશું તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્‍યું હતું. જ્‍યારે સામાપક્ષે શરૂઆતમાં જ કોંગ્રેસનું એક ફોર્મ રદ થતા ભાજપ ગેલમાં આવી ગયું છે. ચૂંટણી પૂર્વેજ કોંગ્રેસની પેનલ તુટી છે.

ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠક ઉપર કુલ ૪૪૬ જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા. તે પૈકીના  તારીખ ૮-૨-૨૧ને સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી થતા ૨૨૮ જેટલા ફોર્મ રદ થયા છે. ત્‍યારે ૨૧૯ ફોર્મ માન્‍ય રહ્યા છે. ફોર્મ રદ થવાના મુખ્‍ય કારણમાં કેટલાક ઉમેદવારોએ એક કરતા વધારે ફોર્મ ભર્યા હોય, ડમી ઉમેદવાર હોય અથવા કેટલાક ઉમેદવારોના ટેકેદાર કે દરખાસ્‍ત મુકનારનું નામ, સહીમાં ભુલ હોય અથવા તો સહી હોય જ નહિ તેવા ફોર્મો રદ થયા છે.

ઉમેદવારી ફોર્મ ચકાસણીના આજના દિવસે સૌથી વધુ વોર્ડ નં. ૧૦, કાળીયાબીડમાંથી ૨૬ ફોર્મ રદ થયા છે. ત્‍યારે સૌથી ઓછા વોર્ડ નં. ૧ ચિત્રા -ફુલસરમાંથી ૬ ફોર્મ રદ થયા છે. તેજ રીતે સૌથી વધુ ઉમેદવારો ચિત્રા-ફુલસર વોર્ડમાં ૨૪ માન્‍ય રહ્યા છે. ત્‍યારે  સૌથી ઓછા વોર્ડ નં. ૧૧ સરદારનગર -અધેવાડામાં ૧૨ ફોર્મ માન્‍ય રહ્યા છે.

આમ જોઇએ તો આજે ચકાસણી બાદ જે વોર્ડમાં ઉમેદવારોનાં ફોર્મ માન્‍ય રહ્યા છે. તેમાં વોર્ડ નં. ૧ માં ૨૪, વોર્ડ નં. ૨માં ૨૦, વોર્ડ નં. ૩ માં ૨૩, વોર્ડ નં. ૪માં ૧૯, વોર્ડ નં. ૫ માં ૧૮, વોર્ડ નં. ૬માં ૧૬, વોર્ડ નં. ૭માં ૧૭, વોર્ડ નં. ૮માં ૧૪, વોર્ડ નં. ૯માં ૧૪, વોર્ડ નં. ૧૦માં ૧૬, વોર્ડ નં. ૧૧માં ૧૨, વોર્ડ નં. ૧૨માં ૧૫, વોર્ડ નં. ૧૩ માં ૧૩ ઉમેદવારોના ફોર્મ માન્‍ય રહ્યા છે.

 

(11:18 am IST)