Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અયોધ્યામાં રઘુવંશી સમાજનું અતિથિ ભવન બનશે

જામનગરમાં સમસ્ત હાલાર લોહાણા સમાજ શુભેચ્છા મુલાકાતે લોહાણા મહાપરિષદના અધ્યક્ષ સતિષભાઇ વિઠ્ઠલાણીએ કરી જાહેરાત : રઘુવંશી સમાજના સંગઠનને વધુ સશકત બનાવી શિક્ષણ - રોજગાર અને આરોગ્ય ક્ષેત્રમાં વિવિધ યોજના માટે આપ્યો શાબ્દીક ચિતાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૯ : લોહાણા સમાજની વૈશ્વિક માતૃ સંસ લોહાણા મહાપરિષદના નવનિર્વાચિત અધ્યક્ષ સતિષભાઈ વિઠ્ઠલાણી સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપક્રમે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોહાણા મહાજનો અને અન્ય સંસઓના પદાધિકારીઓની બેઠકને સંબોધતાં જાહેર કર્યું હતું કે, ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ પર બની રહેલા રામ મંદિર નજીક અયોધ્યામાં રઘુવંશી સમાજના અતિથિ ભવનના નિર્માણ માટેની દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે જમીન નકકી કરી લેવામાં આવી છે.

લોહાણા સમાજની વૈશ્વિક સંસ્થા લોહાણા મહાપરિષદના નવનિર્વાચિત અધ્યક્ષ શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણી અને મહાપરિષદની મહિલા પાંખના અધ્યક્ષ શ્રીમતી રશ્મીબેન વિઠ્ઠલાણી પદભારગ્રહણ કર્યા પછી હાલાર લોહાણા સમાજની પ્રથમ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં.

આ પ્રસંગે હાલારના બન્ને જિલ્લા જામનગર તથા દેવભૂમિ દ્વારકાના ૨૫ જેટલા લોહાણા મહાજનો તેમજ રઘુવંશી સમાજના મહિલા મંડળો, યુવક મંડળો, કધયા છાત્રાલય-બોર્ડીંગના ટ્રસ્ટીઓ, સખાવતીઓની બેઠક જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલી લોહાણા મહાજનવાડી ખાતે સમસ્ત હાલાર લોહાણા સમાજના નેજા હેઠળ મળી હતી.

આ બેઠકને સંબોધન કરતાં લોહાણા મહાપરિષદના અધ્યક્ષ સતિષભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, આપણાં સમાજની સંગઠ્ઠન શકિત વધુ મજબુત બનાવવાની સાથે સાથે યુવા પેઢીને ઉચ્ચ શિક્ષણ માટે મળતી લોનનું વ્યાજ નિશ્ચિત સમય મર્યાદા માટે મહાપરિષદ આપે તેવું આયોજન વિચારણા હેઠળ છે. સાથે જ યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા તેજસ્વી યુવાઓને સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે માર્ગદર્શન અને પ્રશિક્ષણ મળી રહે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

હાલારમાં લોહાણા સમાજની એકતા માટે આનંદ વ્યકત કરતાં તેઓએ કહ્યું હતું કે હાલાર લોહાણા સમાજના નેજા હેઠળ રઘુવંશી સમાજની તમામ સંસ્થાઓ જે રીતે કાર્યરત છે તે ઉદાહરણરૂપ અને પ્રશનિય છે. આ માટે જીતુભાઇ લાલ અને દ્વારકાદાસભાઇ રાયચુરાને અભિનંદન આપતાં તેઓએ ઉમેર્યું હતું કે આ સંગઠ્ઠન અને આવી કાર્ય પધ્ધતિ અન્ય વિસ્તારોએ પણ અપનાવીને સમાજનું સંગઠ્ઠન વધુ મજબુત બનાવવા માટે પ્રયાસો કરવા જોઇએ.  વિદેશ વસવાટ કરતા રઘુવંશી સમાજના પરિવારોને સંગઠ્ઠનમાં સક્રિય કરવા માટે અને વિદેશ અભ્યાસ કરવા માટે જતા યુવાઓને સહાયરૂપ બનવા માટેની યોજનાની રૂપરેખા આપતાં સતિષભાઇ વિઠ્ઠલાણીએ યુવા ઇન્ટરનેશનલ ફોરમનો વિચાર રજુ કર્યો હતો. સમાજના સંગઠ્ઠનને વધુ સારી રીતે સક્રિય કરવા માટે તેઓએ મહિલા શકિતની સક્રિયતા પર ભાર મુકયો હતો.

દેશભરમાં લોહાણા સમાજની આવેલી લોહાણા મહાજનવાડીઓ સહિતની જગ્યાઓનો ઉપયોગ યુવા પેઢીના પ્રશિક્ષણ માટે થાય તે માટે વિચારવા અનુરોધ કરતાં સતિષભાઇ વિઠ્ઠલાણીએ અંતમાં રઘુવંશી સમાજના સંગઠ્ઠનને વધુ અશકત બનાવી શિક્ષણ-રોજગારી અને આરોગ્યના ક્ષેત્રમાં વિવિધ યોજનાઓ કાર્યરત કરવા માટે જ્ઞાતિની તમામ સંસ્થાઓ અને સખાવતીઓના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી.

આ પ્રસંગે મહાપરિષદની મહિલા પાંખના અધ્યક્ષા શ્રીમતી રશ્મીબેન વિઠ્ઠલાણીએ કહ્યું હતું કે મહિલા શકિત કોઇપણ ક્ષેત્રમાં પ્રગતિ સાધવા માટે આવશ્યક શકિત બની રહી છે ત્યારે રઘુવંશી સમાજના સમાર્વત્રિક વિકાસ માટે બહેનો વધુ સારી રીતે સક્રિયતા દર્શાવી આગળ આવે તે દિશામાં કાર્ય કરવાની નેમ વ્યકત કરી હતી.

સમસ્ત હાલાર લોહાણા સમાજના સંયોજક જીતુભાઇ લાલે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં લોહાણા મહાજનો અને અન્ય જ્ઞાતિ સંસ્થાઓ એક-મેકની સાથે સહિયારા પ્રયાસોથી પ્રવૃત્ત્। રહીને સમાજ માટે કાર્ય કરી રહી છે. અને તેના કારણે સમસ્ત હાલાર લોહાણા સમાજ સારી રીતે કાર્યરત છે.

આ પ્રસંગે સમસ્ત હાલાર લોહાણા સમાજના કધવીનર દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ)એ સંગઠ્ઠન શકિતની જરૂરીયાત દર્શાવી દરેક સંસ્થાઓને સાથે રાખીને વધુ સારી કામગીરી કરવા માટે દરેક મહાજનો- સંસ્થાઓ અને સખાવતીઓના સહયોગની અપેક્ષા દર્શાવી હતી.

લોહાણા મહાપરિષદના નવનિર્વાચિત પ્રમુખ સતિષભાઇ વિઠ્ઠલાણી અને મહિલા પાંખના અધ્યક્ષા શ્રીમતી રશ્મીબેન વિઠ્ઠલાણીની શુભેચ્છા મુલાકાતની આ અવસરે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોહાણા મહાજનો ઉપરાંત મહિલા મંડળો, યુવક મંડળો, કર્મચારી સંગઠ્ઠન, કધયા છાત્રાલયો તેમજ બોર્ડીંગ સંચાલન કરતા ટ્રસ્ટોના પદાધિકારીઓ-પ્રતિનિધિઓ તેમજ સમાજના સખાવતી શ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જામનગર જિલ્લા રઘુવીર સેનાના પ્રમુખ ગિરીશભાઇ ગણાત્રાએ અને આભારદર્શન જામનગર લોહાણા મહાજનના મંત્રી રમેશભાઇ દત્તાણીએ કર્યું હતું.

(1:15 pm IST)