Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સોરઠમાં બર્ડ ફલુ વચ્ચે માંગરોળના લોએજ પાસેથી ૭૦ કાગડાના મૃતદેહો મળ્યા

વન વિભાગે માત્ર ૧૦ મૃતદેહ લઇ જઇ બાકીના સ્થળ પર જ છોડી દીધા

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૯ : સોરઠમાં બર્ડ ફલુની એન્ટ્રી વચ્ચે માંગરોળના લોએજ પાસેથી ૭૦ કાગડાના મૃતદેહ મળી આવતા હલચલ મચી ગઇ હતી.

વન વિભાગે માત્ર ૧૦ કાગડા મૃતદેહ લઇ જઇ બાકીના મૃતદેહો સ્થળ પર જ છોડી દીધા હોવાનું જાણવા મળેલ છે.

તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા પાસેના ખારા ડેમ વિસ્તારમાં ટીટોડી સહિત ૫૩ જેટલા પક્ષીના મૃતદેહ હાથ લાગ્યા હતા. જેના સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા બે પક્ષીના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવેલ. જેના પગલે સોરઠમાં બર્ડ ફલુએ પગપેસારો કરતા ખળભળાટ મચી ગયો હતો.

જો કે કલેકટર ડો. સૌરભ પારઘીએ ગઇકાલે તાત્કાલિક જાહેરનામુ બહાર પાડીને મહત્વની સુચના જારી કરી છે. જેમાં બાંટવાની આસપાસના એક કિમીના વિસ્તારમાં કોઇ પણ વાહન લઇ જવા કે લાવવા, ઇંડા, મરઘી, મરેલા મરઘા, મરઘાની અગાર લાવવા લઇ જવા પર પ્રતિબંધ મુકયો છે.

બર્ડ ફલુના પગલે જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો પક્ષો વિભાગ બંધ કરવામાં આવ્યો છે. અહીં મુલાકાતીઓ માત્ર પ્રાણીઓ જ નિહાળી શકાશે.

દરમિયાન માંગરોળ તાલુકાના લોએજ ગામ પાસેથી ૭૦ કાગઢાના મૃતદેહ મળી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય રામભાઇ નંદાણીયાએ તેમની હોટેલ પાસે ૭૦ કાગડાના મૃતદેહ પડયા હોવાની જાણ વન વિભાગને કરી હતી.

જેના પગલે વન વિભાગે સ્થળ પર દોડી જઇ ૧૦ કાગડાના મૃતદેહો લઇને ચાલતી પકડી હતી અને ૬ મૃતદેહો સ્થળ પર જ છોડી દઇ બેદરકારી દાખવી હોવાનું જાણવા મળેલ છે.

આ મૃત કાગડાના સેમ્પલ મોકલવામાં આવેલ છે તેના રિપોર્ટની પ્રતિક્ષા થઇ રહી છે.

(12:00 pm IST)