Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

દ્વારકામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે રંગ જમાવ્યોઃ દેશ-વિદેશના પતંગબાજો ઉમટયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-બેટી બચાવો સહીત અવનવી ડીઝાઇનના દેશી-વિદેશી રંગબેરંગી પતંગોએ જબ્બર આકર્ષણ જમાવ્યું

દ્વારકા તા.૯: મકરસંક્રાન્તિને હવે જૂજ દિવસો બાકી હોય ગુજરાતભરમાં કાતિલ ઠંડીમાં પણ પતંગની મૌસમમાં ગરમી જોવા મળી રહી છે. ગુજરાતમાં દર વર્ષે પતંગ મહોત્સવ ઉજવાય છે જેમાં દેશ-વિદેશના પતંગબાજો અવનવા પતંગના કરતબ દર્શાવતા હોય છે. આજરોજ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ પર સતત ત્રીજા વર્ષે ગુજરાત ટુરીઝમ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જિલ્લાના ઇનચાર્જ કલેકટર આર.આર.રાવલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

દ્વારકામાં સતત ત્રીજા વર્ષે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ફ્રાન્સ,જર્મની, ઇન્ડોનેશીયા, ઇઝરાય, ઇટાલી સહિતના ૧૩ દેશો તેમજ દેશના કેરલ, પંજાબ, રાજસ્થાન, તામીલનાડુ સહિતના છ રાજયોના પતંગબાજોએ પતંગ કૌવત બતાવી લોકોમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક, તા.પં.પ્રમુખ લુણાભા સુમણીયા, દ્વારકા ન.પા.પ્રમુખ જીતુભા માણેક, ઉપપ્રમુખ પરેશ ઝાખરીયા, પાલીકાના શાસકપક્ષના નેતા પ્રદ્યુમનસિંહ જાડેજા, એ.એસ.પી.પ્રશાંત સુમ્બે, પ્રાંત અધિકારી જાડેજા, યાત્રાધામ વિકાસ બોર્ડના રમેશભાઇ હેરમા, પ્રવાસન નિગમના અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

વડા પ્રધાનના ચિત્ર સહીતની પતંગોનું આકર્ષણ

આંતરરાષ્ટ્રીય પતંગબાજોના અલગ અલગ આકાર સાથેના પતંગોની સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોવાળા વિશેષ પતંગો તેમજ બેટી બચાવો બેટી પઢાઓની થીમ સહિતના અવનવા ગગનચુંબી પતંગોએ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દ્વારકાના આકાશમાં અનેરૃં આકર્ષણ જગાવ્યું હતું. ખાસ કરીને બાળકોએ સામાન્યતઃ બજારમાં જોવા મળતા પતંગો કરતા કોઇપણ પ્રકારના પેચ ન લડાવવાની વૃતિ સાથએ અવનવા પતંગોને નિહાળવાનો આનંદ મેળવ્યો હતો.(૧૭.૪)

(11:45 am IST)