Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

કોરોના કાળમાં કેશોદ એસ.બી.આઇ. વેરાવળ રોડ બ્રાન્ચના ૧૭ હજાર એકાઉન્ટ મુખ્ય બ્રાંચમાં પરિવર્તિત કરવાનો નિર્ણય ગ્રાહકો માટે જોખમી

(સંજય  દેવાણી દ્વારા) કેશોદ તા. ૮ :.. સ્થાનીક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા વેરાવળ રોડ પર આવેલ બ્રાંચમાંથી એસ. બી. આઇ. ની મુખ્ય બ્રાંચમાં ૧૭ હજાર જેટલા ગ્રાહકોના  એકાઉન્ટ પરિવર્તીત કરાતા પ્રવર્તમાન કોરોના કાળમાં બેંક સત્તાધીશો દ્વારા લેવાયેલ આ નિર્ણયને કેશોદ શહેર ભાજપ મંત્રી બીજલભાઇ સોંદરવાએ બેંક ધારકો તથા કર્મચારીઓ માટે જોખમી ગણાવી લેવાયેલ આ નિર્ણય અંગ તાત્કાલીક અસરથી ફેર વિચારણા કરી એસ. બી. આઇ.ની વેરાવળ રોડ પર આવેલ પેટા શાખામાં જે તે ગ્રાહકોના ખાતા પુનઃ કાર્યરત કરવા લાગતા વળગતા સબંધીત સત્તાધીશો સમક્ષ માંગણી કરેલ છે.

પ્રવર્તમાન સંજોગોમાં કોરોના મહામારી જેવી માઠી દશા ચાલી રહેલ છે આ સ્થિતિ વચ્ચે અપુરતા સ્ટાફ સહિતના કેટલાક ટેકનીકલી કારણો બેંક સત્તાધીશોએ સામે ધરી સૌના આશ્ચર્ય વચ્ચે વેરાવળ રોડ પર આવેલ એસ. બી. આઇ. ની પેટા બ્રાંચમાં કાર્યરત લગભગ ૧૭ હજાર જેટલા ગ્રાહકોના એકાઉન્ટ  તાજેતરમાં માંગરોડ રોડ પર આવેલ એસ.બી.આઇ.ની  મુખ્ય શાખામાં ટ્રાન્સફર કરી દેવામાં આવેલ કોઇ જેના કારણે લોકોનો ધસારો વધતા સ્ટાફ તથા બેંક ધારકો માટે મોટી પરેશાની ઉભી થવા પામેલ છે.

નોંધનીય છે કે, કોવિડ-૧૯ સંદર્ભે છેલ્લા નવમાસ જેવા સમયથી સતત ચિંતિત સરકાર દ્વારા ખાસ તો સામાજીક અંતર (સોશ્યલ ડીસ્ટન્સ) જાળવવા સહીત જરૂરી અમલીકરણ માટેની ગાઇડલાઇન આપવામાં આવી રહેલ છે.

આ અંગે શહેર ભાજપ મંત્રી બિજલભાઇ સોંદરવાએ જણાવેલ કે એસ.બી.આઇ.ની પેટા શાખામાંથી મુખ્ય શાખામાં વિશાળ સંખ્યામાં એકાઉન્ટ ખસેડાતા બેંક ધારકોની સંખ્યામાં વધારો થયેલ હોઇ જરૂરી એવું સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું ન હોઇ સરકારશ્રીની ગાઇડ લાઇનના ધજાગરા ઉડી રહેલ હોઇ તેવું જણાઇ રહેલ છે.બેંકમાં આર્થિક વહીવટ સહીતના જરૂરી સંબંધીત કામકાજ માટે અસંખ્ય લોકો આવતા હોઇ જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતી સેવાઇ રહેલ છે ત્યારે આ સ્થિતિ બેંક ધારકો અને કર્મચારીઓ માટે જોખમી બનેલ છે.

આ સ્થિતિ અસહ્ય જણાતા અને આ અંગે લોકોનો ગણગણાટ શરૂ થતા શ્રી સોંદરવાએ એક જાગૃત નાગરીક તરીકે નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી શ્રી નીતીનભાઇ પટેલ ગાંધીનગર, ગવર્નર શ્રી રીઝર્વબેંક ઓફ ઇન્ડીયા, અમદાવાદ, સહાયક મહાપ્રબંધક ભારતીય  સ્ટેટ બેંક, વેરાવળ સહીત લાગતા વળગતા સબંધીત સત્તાધીશોને પત્ર પાઠવી બેંક ધારકો તથા કર્મચારીઓના હીતમાં ગ્રાહકોના એકાઉન્ટ વેરાવળ રોડ પરની કાર્યરત શાખામાં ફેરવી સ્થિતિ પૂર્વવત કરવા માંગણી કરેલ છે. સાથે તાત્કાલીક અસરથી બેંક ધારકોની લાગણી અને માંગણી પરિણામ લક્ષી બને તેવી આશા વ્યકત કરેલ છે.

(11:58 am IST)