Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કોટડા સાંગાણી તાલુકામાં કમોસમી દોઢ ઇંચ વરસાદથી ખેતીના પાકને ભારે નુકશાન

કોટડા સાંગાણી તાલુકાના બગદડીયા સતાપર, કરમાળ પીપળીય, રામોદ સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતો પાયમાલ થયા છે જેથી સર્વે કરી સહાય ચુકવવા માંગ કરાઇ છે. બુધવારના સાંજના સુમારે તાલુકામાં મહા વાવાઝોડાની અસર વર્તાઇ હતી. જેમાં તાલુકાના બગદડીયા, સતાપર, કરમાળ પીપળીયા, રામોદ સહિતના ગામોમાં દોઢ ઇંચથી વધુ કમોસમી વરસાદના ખાબકતા ખેડૂતોની મગફળી, કપાસ સહિના પાકને ભારે નુકસાન થયેલ છે. સાથે જ કાપણી કરેલ મગફળી પલળી જતા ખેડૂતોના હાથમાં મગફળીનો કુચો (પાલો) પણ આવે તેમ નથી સાથે જ ભારે પવનના કારણે કપાસની ડાળીઓ પણ ભાંગી જવા પામી છે અને રૂનો પણ બગાડ થયેલ હોઇ જેથી કરીને વિમા કંપની તેમજ ખેતીવાડી શાખા દ્વારા તાત્કાલીક ધોરણે સર્વે કરી સહાય તેમજ વીમો આપવામાં આવે તેવી માંગ બગદડીયા ગામના ઉપસરપંચ અને તાલુકા ભાજપ-ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ મકવાણાએ કરી હતી. (તસ્વીર કલ્પેશ જાદવ, કોટડા સાંગાણી)

(1:06 pm IST)