Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

લાલપુર તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન : વળતર ચુકવવા રજૂઆત

લાલપુર તા.૮ : તાલુકા સરપંચ એશો.ને પ્રાંત અધિકારીને રજૂઆતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાન માટે વળતર ચુકવવા તથા વિમો ચુકવવા માંગણી કરી છે.

લાલપુર તાલુકાના તમામ ગામોમાં કમોસમી વરસાદ થયા છે આ વરસાદને કારણે લાલપુર તાલકુાના ખેડૂતોને ભારે નુકશાન થયુ છે. કપાસના ઉભા તથા મગફળીના પાકની લણણી તૈયાર થયેલ હોય, જેના પાથરા પલળી ગયેલા હોય તથા મગફળીનો પાક સંપુર્ણ નુકશાન થયેલ હોય અને મગફળી તથા પુઓનો ઘાસચારો સંપુર્ણપણે નાશ થઇ ગયેલ છે અને વરસાદના પાણી ખેતરોમાં ભરાવાને લીધે મગફળીનો પાક સંપુર્ણ સડી ગયો છે. જે બાબતની સરકારશ્રીને સુચના મુજબ ખેડૂતોએ નુકશાની વળતર મેળવવા અરજી કરી હતી. જે અનુસંધાને વિમા કંપનીના અધિકારીઓ તથા ગ્રામસેવક ખેડૂતોની વાડીએ સર્વે કરવા માટે આવે છે અને તેઓના જણાવ્યા મુજબ ખેડૂતોને નુકશાની વળતર આપવામાં ખેતરોની વાડીએ સર્વે કરવા પાક પડેલો હોવો જોઇએ.

ખેતરોમાં પાણી ભરાયા હોવા જોઇએ તથા ૩૩% જેટલો પાક સડી ગયો હોય તો તેઓ નુકશાની વળતર આપવા રજૂઆત કરી શકે છે. વળતર ન ચુકવવાના બદ ઇરાદાથી ગામોગામ સર્વે કરવા નિકળેલ છે અને અભણ ખેડૂતોને બળજબરીથી અને પોતાની મરજીથી ગેરકાયદેસર રીતે સર્વે કરી અને વિમા યોજનાના નિયમોનુસાર ગામમાં કોઇ ગ્રામ સમિતિની રચના કર્યા વિના અયોગ્ય અને ગેરકાયદેસર સર્વેની કામગીરી ચાલુ કરી છે. જેની સામે લાલપુર તાલુકા સરપંચ એશો. માંગણી છે કે ગેરકાયદેસર સર્વેની કામગીરી બંધ કરાવવામાં આવે તથા સરકારશ્રી દ્વારા સમગ્ર લાલપુર તાલુકાના ખેડૂતોને કોઇ વ્યકિતગત અરજી કરાવ્યા વિના ગામોગામ સમિતિ બનાવી સામુહીક સર્વે કરાવી તાત્કાલીક વિમો ચુકવી આપવા રજૂઆતમાં જણાવ્યુ છે.

(11:37 am IST)