Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મોરબીને મહાનગરપાલિકા બનાવવા સ્વચ્છતા અભિયાન સમિતિની માંગણી

 મોરબી,તા.૮:  શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવતી ટીમ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સાંસદ તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ સહિતનાને લેખિત રજૂઆત કરીને મોરબી શહેર મહાનગરપાલિકા બનાવવા અને યુવાનોના સ્વપ્ન પૂર્ણ કરવાની માંગ કરી છે

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીને તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ્લો બનાવ્યો છે અને ૨૦૧૩ થી મોરબી જીલ્લો કાર્યરત થયો છે જોકે મોરબી નગરપાલિકા એ ગ્રેડની હોવા છતાં મોરબી નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે અમારી ટીમ છેલ્લા છ મહિનાથી દર રવિવારે સ્વચ્છતા અભિયાન ચલાવે છે મોરબી શહેરની હાલત અત્યંત દયાજનક છે અને મોરબીને મહાનગરપાલિકા બનાવાય તો મોરબીનો વિકાસ થઇ સકે તેમ છે મોરબી સિરામિક નગરી અને આર્થિક રીતે સંપન્ન હોવા છતાં શહેરમાં ઉભરાતી ગટર, રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા અને આરોગ્યની અપૂરતી સેવાઓને પગલે યુવાનો મોટા શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને યુવાનોના સ્વપ્નો પૂર્ણ થતા નથી જેથી મોરબીના યુવાનો અને મોરબીના વિકાસને ધ્યાને લઈને મોરબીને મહાનગરપાલિકા બનાવાય તેવી માંગ કરવામાં આવી છે.

(11:35 am IST)