Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

નવરાત્રિ દરમ્યાન ગાયિકા ગીતાબેન ચૌહાણે ગાયેલી આરતીએ ડિજિટલ પ્લેટફોર્મ પર મચાવી ધૂમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૮: કોરોના કાળ બાદ ધીરે ધીરે હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ત્યારે હાલ નવરાત્રિના પવિત્ર પર્વમાં આદ્યશકિત માં અંબાની આરાધના સાથે શ્રધ્ધા અને ભકિતનો માહોલ છવાયો છે. ગરબાના તાલે માં ની થઈ રહેલ આરાધના દરમ્યાન જાણીતા ગાયિકા ગીતાબેન ચૌહાણની આરતીએ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ધૂમ મચાવી છે. શ્નહ્વજ્ર આદ્યા શકિત' ની પરંપરાગત આરતીને ગીતાબેન ચૌહાણે પોતાના સુરીલા કંઠે ભાવવાહી સુરે રજૂ કરી છે. આ આરતીમાં દેશ વિદેશમાં જાણીતા ગાયક હેમંત ચૌહાણ સહિત ગુજરાતના અનેક જાણીતા ગાયકોએ પોતાના સુરીલા સ્વરનો સંગાથ આપ્યો છે. એક સાથે એકથી વધુ ગાયકોએ સાથે મળીને ગાયેલી આરતીનો આ કદાચિત પ્રથમ પ્રયોગ હશે. સુરીલા સુર સાથે તાલ મિલાવતા ભકિત સંગીત અને માતાજીની આરતી સાથેના ભાવવાહી દ્ર્શ્યો આપણને ભકિત રસમાં રસતરબોળ કરી મૂકે છે. યુ ટ્યુબ ઉપરાંત આરતી ગાના અને જીઓ સહિત ૫૦ થી વધુ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર વાહ વાહ મેળવી ચૂકેલી આ આરતી એક વાર અચૂક સાંભળવા જેવી છે. ગીતાબેન ચૌહાણ ગાયિકા તરીકે નાની ઉમરમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકયા છે.

(11:33 am IST)