Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મીઠાપુર-સુરજકરાડીમાં બીએસએનએલ નેટવર્કમાં ધાંધીયાથી લોકો ત્રાહીમામ

(દિવ્યેશ જટણીયા દ્વારા) ઓખા,તા. ૮: કહેવત છે કે ઓખો જગથી નોખો તો અમુક બાબતોમાં આ કહેવતને ખોટીના કહી શકાય તેવા ઉદાહરણો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ફરી પાછા બી.એસ.એન.એલની સેવાઓએ લોકોને ત્રાહિમામ લાવી દીધા છે. એક વખત બી.એસ.એન.એલનું નેટવર્ક ગયું એટલે પાછુ ફરી કેટલા દિવસે આવશે તે કહી શકાય એમ જ નથી.

આજના આવા આધુનિક ટેકનોલોજી અને ઇન્ટરનેટના જમાનામાં પણ ૪ થી ૫ દિવસ સુધી નેટવર્ક ખોરવાયેલુ જ રહે છે. ત્યારે જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરતા પણ કોઇ જ પ્રકારનો ચોક્કસ જવાબ કે કારણ મળતા નથી કે આવું શું કારણે થઇ રહ્યું છે. એક બાજુ આપણા પ્રધાનમંત્રી સાહેબ દ્વારા દરેક ક્ષેત્રને ઇન્ટરનેટના માધ્યમથી જોડી પ્રજાને ઓછામાં ઓછી હાલાકી ભોગવવી પડે તથા ઘરે બેઠા સહેલાઇથી દરેક કાર્યો થઇ શકે તેવી યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે.

 ત્યારે આ જ વિસ્તારમાં આવી તકલીફો પડે અને તેમાં પણ આટઆટલા દિવસો સુધી કોઇ જ અધિકારીના પેટનું પાણી પણના હાલે તે ખરેખર શરમજનક બાબત કહેવાય. લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યુ છે બીજા નેટવર્ક ચાલુ રહે અને ખાલી બી.એસ.એન.એલ જ સેવાઓ પુરી ના પાડી શકે તે હકીકતે અહીંના અધિકારીઓની ખામી છે કે બીજું કઇ કારણ છે. છેલ્લા વીસેક દિવસમાં તો આશરે ૬ થી ૭ દિવસ આ સેવાઓ માંડ ચાલુ રહી છે. ત્યારે હવે કંઇ ચોક્કસ પગલાઓ લેવાશે કે પછી અહીં તો આવું જ ચાલ્યા કરશે તે જોવાનું રહ્યું .

(10:37 am IST)