Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

દિલ્હીના શખ્સો દ્વારા બાઇક બોટ યોજના તળે કચ્છમાંથી લાખો ઉસેડયાઃ દેશભરમાં ૩૫૦૦ કરોડની છેતરપીંડી

ગાંધીધામમાં ૧૧ લાખની ઠગાઈની ફરિયાદ, બાઇકના પૈસા રોકી દર મહિને ભાડા પેટે રૂપિયા આપવાનો વાયદો કરી લોકોને છેતર્યા

ભુજ, તા.૮: ગાંધીધામ અને કચ્છ સહિત ગુજરાત તેમ જ દેશભરમાં બાઇક બોટની ઈનામી સ્કીમના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગી લેનાર દિલ્હીની નોઈડા સ્થિત ગર્વિત રીનોવેટેડ પ્રમોટેડ કંપની સામે પોલીસ ફરિયાદ થઈ છે. ગાંધીધામના રવિ ટેકવાણીએ બાઇક બોટ યોજના તળે કંપનીની સ્કીમમાં ૬૨,૧૦૦ ભરીને દર મહિને બાઇક બોટના ભાડા પેટે ૯૭૬૫ રૂપિયા અને વર્ષે ૧,૧૭,૧૮૦ રૂપિયા મેળવવાની લાલચે કુલ ૩,૭૨,૬૦૦ રૂપિયા ભર્યા હતા.

આજ રીતે ગાંધીધામના હર્ષિદાબેન ઠાકર, ગોવિદ માંગલીયા, કામેશ્વર રાવે પણ રૂપિયા ભર્યા હતા. આ ચારેય લોકોએ કુલ ૧૧,૧૭,૮૮૦ રૂપિયા ભર્યા હતા જે કંપનીએ પરત નહીં આપ્યા હોવાની તેમ જ ૨૦૧૮ ડિસેમ્બર પછી કોઈ વળતર પણ નહીં આપ્યું હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદી રવિ ટેકવાણીએ આ કંપની વિશે આપેલી જાણકારી પ્રમાણે વેબસાઇટ ઉપર રોકાણકારોના નામનું વોલેટ બનાવીને કંપની તેમાં જમા રકમની જાણકારી આપતી હતી. પણ, છેલ્લા ૯ મહિના થયા ગરબડ શરૂ થઈ કંપનીની વેબસાઈટ કંઈ બતાવતી નથી તેમ જ કંપની પૈસા પણ અસ્પતિ નથી. જોકે, કંપનીના સંચાલકો સંજય ભાટી, દીપ્તિ બહેલ, સચિન રતનસિંહ ભાટી, પવન રતનસિંહ ભાટી, રાજેશ ભારદ્વાજ, સુનિલ પ્રજાપતિ, કરણપાલસિંહ, લખન ચૌધરી, નાગોરીએ કચ્છમાંથી કરેલ ઠગાઈનો આંક મોટો છે.

ગુજરાતમાં ૪૦૦ કરોડ અને દેશભરમાંથી ૩૫૦૦ કરોડ રૂપિયા આ દિલ્હી નોઈડા ના ઠગોએ ઉસેડી લીધા છે. લોકલ એજન્ટ બનાવી તેમને તગડું કમિશન આપી સ્થાનિક મોટી હોટલમાં હાઇફાઈ કાર્યક્રમ રાખીને આ ઠગ કંપની નાના ઇન્વેસ્ટરોને પોતાનો શિકાર બનાવતી. ફરિયાદી રવિ ટેકવાણીને ગાંધીધામના રવિ મહેશ ગોપલાણીએ આ ઠગ કંપની વિશે જણાવી તેનો સભ્ય બની રોકાણ કરવા કહ્યું હતું. આ ઠગ કંપનીએ ગ્રાહકોને આપેલા ચેક પણ રિટર્ન થયા છે. ગાંધીધામ પોલીસે આઇટી એકટ સહિતની અન્ય કલમો તળે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)