Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

માણાવદરનાં ગણા ગામે ભાદર નદીમાં ખાબકતા યુવાન ગુમ - શોધખોળ

જુનાગઢથી ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ

જુનાગઢ તા. ૮: માણાવદરના ગણા ગામે ભાદર નદીમાં ખાબકતા એક યુવાન નદીનાં પાણીમાં ગુમ થયો હોવાનું જાણવા મળેલ છે.

આ યુવાનની શોધખોળ ગઇકાલથી હાથ ધરવામાં આવેલ પરંતુ કોઇ સફળતા નહિં મળતા આજે સવારે જુનાગઢથી ફાયર બ્રિગેડની એક ટીમ દોડી ગઇ છે.

માણાવદર તાલુકાનાં ગણા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીએ ખેત મજુર રાજેશ મોહનભાઇ વાઘેલા (ઉ.વ. ૩પ) ગઇકાલે સવારે કપડા ધોવા ગયો હતો.

ત્યારે કપડા ધોતા-ધોતા પગ લપસતા રાજેશભાઇ ભાદર નદીમાં ખાબકયા હતા અને નદીનાં પાણીમાં ગરક થઇ ગયા હતા. આ અંગેની જાણ થતાં તરવૈયા વગેરે દોડી ગયા હતા અને રાજેશ વાઘેલાની ભાળ મેળવવા માટેનાં પ્રયાસો કર્યો હતો.

પરંતુ કોઇ સફળતા નહિં મળતા આજે સવારે જુનાગઢ ખાતેથી મનપાના ફાયર બ્રિગેડના કુશળ કર્મચારી કમલેશભાઇ પુરોહિત સહિતની ટીમ ગણા ગામે દોડી ગઇ હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી છે.ભાદર નદીમાં પડી જવાથી ગુમ થયેલ યુવાન ઉપલેટા તાલુકાના ભીમોરા ગામનો હોવાનું અને માણાવદર વિસ્તારમાં મજુરી કામે આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

(11:52 am IST)