Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ટીકરના રણમાં કાદવમાં ૧૦ યાત્રિકો ફસાયા

કચ્છના વાગડથી ચોટીલા પગપાળા આવતા'તા : આડેસરથી હળવદના ટૂંકે રસ્તે ચાલ્યા

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૩ :  કચ્છના વાગડથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જવા ૧૦ જેટલા પદયાત્રિકો આડેસર નજીકથી કચ્છના નાના રણમાંથી નીકળતો શોર્ટ કટ્ટ રસ્તો અપનાવી હળવદ તરફ આવતા હતા ત્યારે ટીકર નજીક કાદવમાં ફસાઈ ગયા છે, સવારથી આ પદયાત્રિકો અહીં ફસાયા હોવાની જાણ ટિકરના સરપંચને થતા તેઓએ મામલતદાર હળવદનો સંપર્ક કરી ફસાયેલા પદયાત્રિકોને બચાવવા મદદ માંગી હતી.

જો કે હળવદ મામલતદાર હાઇકોર્ટમાં મુદતે હોવાનું જણાવતા ટીકરનાઙ્ગ વિજયભાઈ પટેલે ગ્રામજનોની સહાયતા લઈ ટીકર રણમાંથી પદયાત્રિકોને સલામત બહાર નીકળવા પ્રયાસો શરૂ કર્યા છે.

વધુમાં વિપરીત ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા કચ્છના નાના રણમાં ચોમાસાના પાણી ભરાઈ જતા હાલમાં કાદવ કીચડ સર્જાયું છે અને પદયાત્રિકો સવારથી ભૂખ્યા તરસ્યા હોવાનું માલુમ પડતા તમામ માટે જમવાનું તથા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ટિકરના સેવાભાવી રાજકીય આગેવાન વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ફસાયેલા લોકોમાં ૮ પુરૂષો અને ૨ મહિલાનો સમાવેશ થાય છે અને તમામને સહી સલામત બચાવવા પ્રયાસ ચાલુ છે.(૨૧.૧૨)

(12:07 pm IST)