Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મોરબી લાલપરના કાળુ વેગડાનું દારૂ પીધા બાદ મોત?: સ્‍વજનો લાશ લઇ નીકળી ગયા બાદ પરત બોલાવાયા

પાંચ વર્ષથી પત્‍નિથી અલગ રહેતો હતોઃ ગઇકાલે સાતુદળથી પત્‍નિ હંસાબેન આટો મારવા આવી ત્‍યારે પતિ બેભાન મળ્‍યોઃ મોરબી પોલીસ સમક્ષ દારૂ પીવાથી બેભાન થઇ ગયાનું કહેવાયું હતું, રાજકોટમાં ઝાડા-ઉલ્‍ટી થયાનું જણાવાયું હોઇ એમએલસી જાહેર નહોતું થયું : ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવાયું

રાજકોટ તા. ૮: મોરબીના લાલપર ગામે બાપા સિતારામની મઢુલી પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં કાળુભાઇ જીવાભાઇ વેગડા (ઉ.૩૫) નામનો વણકર યુવાન ગઇકાલે બપોરે ઘરમાંથી બેભાન મળતાં અને બાજુમાં દારૂની બે ખાલી કોથળી મળી હોઇ મોરબી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં દારૂ પીવાથી બેભાન થઇ ગયાનું જણાવાયા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અહિ ઝાડા-ઉલ્‍ટી થયાનું તબિબને જણાવાતાં એમએલસી કેસ જાહેર કરાયો નહોતો. મૃત્‍યુ થતાં મૃતદેહ લઇને સ્‍વજનો રાજકોટથી નીકળી ગયા હતાં. પરંતુ મોરબી પોલીસને જાણ થતાં સ્‍વજનને ફોન કરી મોરબીમાંએમએલસી કેસ થયો હોઇ પોસ્‍ટ મોર્ટમ કરાવવુ પડે તેવી સમજ અપાતાં મૃતદેહ પરત રાજકોટ પોસ્‍ટ મોર્ટમ રૂમ ખાતે લાવવામાં આવ્‍યો હતો અને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાયું હતું. મોતનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્‍યા બાદ જાણવા મળશે. 

મૃત્‍યુ પામનાર કાળુભાઇ ચાર ભાઇમાં ત્રીજો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તે છેલ્લા પાંચેક વર્ષથી પત્‍નિ-પરિવારને છોડીને લાલપરમાં એકલો રહેતો હતો. ગઇકાલે બપોરે પત્‍નિ હંસાબેન આટો મારવા લાલપર આવી ત્‍યારે પતિ બેભાન જોવા મળતાં તેને મોરબી હોસ્‍પિટલે ખસેડયો હતો. હંસાબેનના કહેવા મુજબ પતિને દારૂ પીવાની ટેવ હતી, તે બેભાન મળ્‍યા ત્‍યારે બાજુમાં બે ખાલી કોથળી પડી હતી. મોરબી હોસ્‍પિટલના સ્‍ટાફે દારૂ પીવાથી તબિયત લથડયાની નોંધ સબબ એમએલસી કેસ જાહેર કર્યો હતો.

બાદમાં કાળુભાઇને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ઝાડા-ઉલ્‍ટી થયાનું કહેવાતાં તબિબે એમએલસી કેસ ન કરી જરૂરી સારવાર કરી હતી. બાદમાં તેનું મૃત્‍યુ નિપજતાં ડેથ સર્ટીફિકેટ આપી દેવાતાં લાશ લઇને સ્‍વજનો રવાના થઇ ગયા હતાં. પણ મોરબી પોલીસમાં એમએલસી કેસ થયો હોઇ ફરીથી લાશને રાજકોટ લાવવામાં આવી હતી અને પોસ્‍ટ મોર્ટમ કરાવાયું હતું. એક તબક્કે સ્‍વજનો અને પોલીસ વચ્‍ચે ચડભડ થઇ હતી. જો કે બાદમાં ગેરસમજ દુર થઇ હતી અને પોસ્‍ટ મોર્ટમ કરાવાયું હતું.  મોરબી તાલુકા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું ફોરેન્‍સિક પી.એમ. કરાવ્‍યું છે. મૃતકને વર્ષોથી નશો કરવાની ટેવ હોવાનું તેના પત્‍નિએ જણાવ્‍યું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(12:01 pm IST)