Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મોરબીમાં ગણેશ વિસર્જન નિમિતે નગરપાલિકાનું ખાસ આયોજન, ૪ સ્થળેથી મૂર્તિઓ એકત્ર કરી સામુહિક વિસર્જન કરાશે.

મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં મોટાભાગના ભાવિકો દ્વારા ૦૯/૦૯/૨૦૨૨ના રોજ મૂર્તિઓના વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓનું તળાવ/નદીમાં પધરાવી વિસર્જન કરવામાં આવનાર છે.આ અંગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 4 સ્થળો પર શ્રી ગણેશજીની પ્રતિમાઓને એકત્ર કરવામાં આવશે. જે બાદ નગરપાલિકા દ્વારા આર.ટી.ઓ. પાસે તા.-૦૯/૦૯/૨૦૨૨ના રોજ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવશે.

આ અંગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની યાદીમાં જણાવ્યા અનુસાર મૂર્તિ વિસર્જન સમયે પાણીમાં ડુબી જવાના અઘટિત બનાવો ન બને એ માટે નગરપાલિકા દ્વારા આ વર્ષે ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવામાં આવશે. જે માટે શહેરના સ્કાયમોલ, શનાળા રોડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ, એલ.ઈ.કોલેજ ગ્રાઉન્ડ, મોરબી-૨, અને ગર્લ્સ હાઈસ્કુલ, વીસીપરા, મોરબી ખાતે રાખેલ કલેક્શન સેન્ટર ઉપર ભાવિકો અને વિવિધ પંડાલના આયોજકો દ્વારા મૂર્તિ પહોંચાડવાની રહેશે. જે નગરપાલિકા દ્વારા આર.ટી.ઓ. પાસે વિસર્જિત થશે તેમ જણાવ્યું હતું.
આ અંગે નગરપાલિકાના કર્મચારી હિતેશભાઈ રવેશીયા, મો.નં.-૯૮૭૯૮૮૦૦૫૨ તથા જયદીપભાઈ લોરીયા, મો.નં. ૮૨૦૦૩૦૦૬૧૬ ઉપર સંપર્ક કરવાનું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની યાદીમાં જણાવામાં આવ્યું છે.નોંધનીય છે કે વિસર્જન દરમિયાન ૨૫-માણસો સાથે જે.સી.બી. તથા ૨-હાઈડ્રા, એક બોટ, ૧૦ કુશળ તરવૈયાની ટીમ, પાંચ અલગ માણસો તેમજ નગરપાલિકાનો ૫૦થી વધુનો સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. વિસર્જન સ્થળે કોઈપણ વ્યક્તિ ન જઈ શકે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હોવાની વિગતો મળી રહી છે.

(1:18 am IST)