Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મોરબીમાં કિન્નરો દ્વારા કરાતી વિધ્‍નહર્તાની આરાધના

છેલ્લા ૧૮ વર્ષથી બજાર લાઈનની ચૌહાણ શેરીમાં કિન્નરો દ્વારા યોજાતા ગણપતિ મહોત્‍સવ, દરરોજ સવાર-સાંજ આરતી, ભજન, કીર્તન ગણપતિ બાપાની પૂજા અર્ચનામાં કિન્નનરો સાથે શ્રદ્ધાભેર જોડતા સ્‍થાનિકો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૮: કિન્નરો પણ સમાજનું એક અવિભાજ્‍ય અંગ છે. એટલે જ કિન્નરોની દિલથી એવી લાગણી હોય છે કે તેમની જાતીય ઉણપથી લોકો સુગ ન રાખે અને સમાજમાં જોડાયેલા રહે તેમજ સમાજમાં માન મરતબો મળે એ માટે કિન્નરો ભિક્ષાવળત્તિમાંથી સમાજમાં સારા સેવકાર્યો કરે છે. ત્‍યારે હાલ ગણપતિ મહોત્‍સવ દરમિયાન મોરબીમાં પણ કિન્નરોએ ગણપતિ મહોત્‍સવનું આયોજન કર્યું છે. તેમની આ ગણેશજીની ભક્‍તિમાં તમામ સ્‍થાનિક લોકો પણ શ્રદ્ધાભેર જોડાયા તે ઉમદા બાબત છે.

મોરબીની નાની બજાર લાઈન અંદર આવેલ ચૌહાણ શેરીમાં છેલ્લા ૬૦ વર્ષોથી ઘણા કિન્નરો વસવાટ કરે છે. અહિયાં કિન્નરોના માતાજીના મઠમાં વસવાટ કરી અન્‍ય સ્‍થાનિક લોકો સાથે હળીમળીને રહે છે. જો કે ચૌહાણ શેરીમાં અન્‍ય કોઈ દ્વારા નહિ પણ માત્ર આ કિન્નરો દ્વારા ગણપતિ મહોત્‍સવનું છેલ્લા ૧૮ વર્ષથી ભક્‍તિભાવથી આયોજન કરવામાં આવે છે. કિન્નરો કહે છે કે અગાઉ અહીં હીરાદે નામના કિન્નર દ્વારા ગણપતિ મહોત્‍સવનું આયોજન થતું પણ હવે ગોધરા, રાજકોટ તેમજ અન્‍ય જગ્‍યાએથી આવીને અહીં વસેલા કિન્નરો દ્વારા આ વખતે પણ ભવ્‍ય ગણપતિ બાપાનું સ્‍થાપન કરીને નિયમિત પૂજા અર્ચના કરે છે. કિન્નરો દ્વારા દરરોજ પ્રસાદ, આરતી, રાસ ગરબા, ધૂન ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે મનોરંજનના કાર્યકમો પણ યોજાઈ છે. કિન્નરો કહે છે અમે દિલથી બાપાની પૂજા કરીને સૌનું કલ્‍યાણ કરે એવી પ્રાર્થના કરીએ છે. જ્‍યારે આ શેરીના લોકો અને આજુબાજુના લોકો કહે છે કે, કિન્નરો દ્વારા આયોજિત ગણપતિ મહોત્‍સવમાં આરતી, પૂજા અર્ચના એમ દરેક કાર્યક્રમોમાં શ્રદ્ધાભેર જોડાઈ છે. આ કિન્નનરો વર્ષોથી અહીં રહીને સમાજ ઉપયોગી કાર્યો કરે છે. અમે બધા હળીમળીને બધા તહેવારો એકસાથે ઉજવીએ છીએ.

(2:24 pm IST)