Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મોરબી સિરામીક શટડાઉનથી ગુજરાત ગેસને દૈનિક રૂપિયા ૨૫ કરોડનો ફટકો

એક મહિનાના શટડાઉન પૂર્વે દરરોજ ૪૫ લાખ ક્‍યુબિક મીટર ગેસનો વપરાશ થતો હતો જે ઘટીને ૫ લાખ થઇ ગયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૮: ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો, રો-મટીરિયલના ભાવમાં સતત ઉછાળાની સાથે સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદીની અસર જોતા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સીરામીક ઉદ્યોગમાં ઇતિહાસમાં પહેલી વખત એક મહિનાનું શટડાઉન કરવામાં આવતા સિરામીક ઉદ્યોગનું કરોડોનું ટર્ન ઓવર ઠપ્‍પ થવાની સાથે સૌથી મોટો ફટકો ગુજરાત ગેસ કંપનીને પડ્‍યો છે. એક મહિના માટે સિરામીક ઉદ્યોગો સ્‍વૈચ્‍છીક રીતે બંધ થતા હાલમાં ગુજરાત ગેસ કંપનીને દૈનિક સરેરાશ રૂપિયા ૨૫ કરોડથી વધુની ખોટ સહન કરવાનો વારો આવ્‍યો છે.

સિરામીક ક્‍લસ્‍ટર મોરબીમાં વોલ ટાઇલ્‍સ, ફલોર ટાઇલ્‍સ, વિટ્રિફાઇડ, સેનેટરી અને અન્‍ય સીરામીક પ્રોડકના ૭૦૦ થી વધુ કારખાના આવેલા છે. શટડાઉન પૂર્વે મોરબીના આ સીરામીક એકમો દ્વારા દૈનિક ૪૫ થી ૪૭ લાખ ક્‍યુબિક મીટર ગેસનો દૈનિક વપરાશ કરવામાં આવતો હતો પરંતુ ૧૦ ઓગસ્‍ટથી ૯૦ થી ૯૫ ટકા સીરામીક એકમો સ્‍વૈચ્‍છીક શટડાઉનમાં જોડાતા મોરબીમાં ગુજરાત ગેસ કંપનીના પાઈપલાઈન નેચરલ ગેસનો દૈનિક વપરાશ ઘટીને ૫ લાખ ક્‍યુબિક મીટર પહોંચી ગયો હોવાનું સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશ કુંડારીયા અને વિનોદ ભાડજાએ જણાવ્‍યું હતું.

વધુમાં મુકેશભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ભાડજાએ ઉમેર્યું હતું કે હાલમાં મોરબીના સીરામીક એકમોને ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ ક્‍યુબિક મીટર ૬૧ રૂપિયાના ભાવે ગેસ પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે રીતે જોત હાલમાં દૈનિક ૪૫ લાખથી ૪૭ લાખ ક્‍યુબિક મીટરના સરેરાશ વપરાશ સામે માત્ર ૫ લાખ ક્‍યુબિક મીટરનો જ વપરાશ થઇ રહ્યો છે.તે જોતા સીરામીક ઇન્‍ડસ્‍ટ્રીઝના શટડાઉનથી દૈનિક ૨૪ થી ૨૫ કરોડનો બિઝનેશ ગુમાવ્‍યો હોવાનું બન્નેએ ઉમેર્યું હતું.

દરમિયાન ગુજરાત ગેસ કંપનીના સંતોષ ઝોપેએ પણ હાલમાં સિરામીક ઉદ્યોગના શટડાઉનને પગલે ગુજરાત ગેસ કંપનીને વ્‍યાપક પ્રમાણમાં ખોટ સહન કરવી પડી હોવાનું સ્‍વીકારી હાલમાં મોરબીના ઉદ્યોગો માટે એલએનજી ટર્મિનલમાં મોટાપ્રમાણમાં નેચરલ ગેસનો પુરવઠો ઉપલબ્‍ધ હોવાનું અને શટડાઉન બાદ પરિસ્‍થતિ પૂર્વવત થવાની આશા વ્‍યક્‍ત કરી હતી.

(12:01 pm IST)