Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

૬૦૦ કિલોની તિજોરી ઢસડી તસ્કરોએ ૧૭ લાખ ચોર્યા

સીસીટીવીના આધારે તપાસ શરૂ થઇ : લીંબડી સર્કલ નજીક આવેલા પાર્થ ઓટો મોબાઈલ ગેરેજમાં બુધવારની રાતના સમયે તસ્કરોએ શટર તોડીને ચોરી કરી

રાજકોટ, તા. : રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી સર્કલ નજીક આવેલા પાર્થ ઓટો મોબાઈલ ગેરેજમાંથી તસ્કરો ૬૦૦ કિલોની તિજોરી તોડીને ૧૭.૫૦ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ૬૦૦ કિલોની તિજોરીને ઢસડવા માટે તસ્કરોએ કારમાં વપરાતા હાઈડ્રોલિક જેકનો ઉપયોગ કર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ઘરી છે. વિગતો મુજબ લીંબડી સર્કલ નજીક આવેલા પાર્થ ઓટો મોબાઈલ ગેરેજમાં બુધવાર રાત્રીના સમય તસ્કરો શટર તોડીને અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તસ્કરો સીધા પહેલા માળે ઓનરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. તેઓ જાણતા હતા કે ભારી ભરખમ તિજોરી ઉચકીને લઈ જવી શક્ય નથી.

            જેથી તેઓએ તિજોરીની ચારેય બાજુ મોટા ટાયર રાખીને ઉતારવાનો વિચાર કર્યો. બાદમાં તેઓએ ટાયરથી ગેરેજથી ૧૦ ફૂટ ઊંચાઈએ આવેલી ઓફિસમાં ૬૦૦ કિલોની તિજોરીને ટાયર ઉપર નાંખી નીચે ઉતારી હતી. ત્યારબાદ તસ્કરોએ કાર રિપેરીંગ માટે વપરાતા જેક ઉપર ટાયર લગાવી દીધા અને તેના પર તિજોરી મૂકીને ઢસડીને ગેરેજ બહાર લઈ ગયા હતા. બાદમાં નજીક ખેતરમાં લઈ જઈ આશન પટ્ટો નાંખી ધણના ઘા ઝીંકવાનું શરૂ કર્યું. સુરેન્દ્રનગર એલસીબીના ઈન્સ્પેક્ટર દિપલ ઢોલે જણાવ્યું કે, થોડા કલાકમાં તિજોરી તોડીને અંદર રાખેલા ૧૭.૫૦ લાખ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ગેરેજના માલિક શૈલેષ ચૌહાણે પોલીસને જણાવ્યું હતું કે લોકડાઉન લાગુ થયો ત્યારથી તેમણે બેંકમાં પૈસા રાખવાનું બંધ કરી દીધું હતું અને તેના બદલે તમામ રોકડ ઓફિસના સેફમાં રાખી હતી. ગુરુવારે તેણે પોતાના કામદારોને પગાર ચૂકવવો પડ્યો હતો. એલસીબીના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ચૌહાણના લેન્ડ ડીડના પ્લોટ ડીલના દસ્તાવેજો પણ સલામત સ્થળેથી ગાયબ હતા. ઈન્સ્પેક્ટરે ઉમેર્યું કે, 'અમને શંકા છે કે ત્યાં ચાર વ્યક્તિઓ હતો. તસ્કરોની ઓળખ અને તેમને પકડી પાડવા માટે અમે હાઈવે પરના સીસીટીવીમાંથી ફૂટેજ ચકાસી રહ્યા છીએ.

(7:51 pm IST)