Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

જસદણ-વિંછીયા તાલુકામાં બે મહિનાથી આરોગ્ય કર્મચારીના પગાર ન થયા હોય તુરંત કરવા માંગ

નેશનલ હેલ્થ મિશન યોજના હેઠળ કરાર આધારિત કર્મચારીમાં ભારે કચવાટઃ સોમવારે પગાર થઇ જશેઃ રાજૂભાઇ પોપટ

આટકોટ તા. ૮ :.. જસદણ-વિંછીયા તાલુકામાં કોરોનાની કપરી કામગીરી કરતા નેશનલ હેલ્થ મિશન યોજના હેઠળના કરાર આધારિત કર્મચારીના બે મહિનાથી પગાર ન થતા અમુક કર્મચારીઓને ઉછીના ઉધાર કરવા પડયા છે.

જસદણ-વિંછીયા તાલુકામાં નેશનલ હેલ્થ મિશન યોજના હેઠળ હાલ જસદણ - વિંછીયા તાલુકામાં અંદાજે ૭૦ જેટલા કર્મચારીઓ છે જેમાં ડોકટર્સ, ઓપરેટર, કોમ્યુનીટી હેલ્થ ઓફીસર સહિત કર્મચારીઓ કામ કરે છે.

જેમાં અમુક કર્મચારીઓના ત્રણ મહિનાથી અને અમુક કર્મચારીઓના બે મહિનાના પગાર થયા ન હોય આવા કર્મચારીઓને સાથી કર્મચારી એફ. બીજેથી ઉછીના - ઉધાર કરી બેછેડા ભેગા કર્યા છે.રાજકોટ જીલ્લામાં માત્ર જસદણ-વિંછીયા તાલુકાના કર્મચારીઓના પગાર નથી થયા જયારે જીલ્લાના બીજા તાલુકામાં થઇ ગયા હોય જસદણ-વિંછીયા તાલુકાના કર્મચારીઓમાં કચવાટ છવાઇ ગયો છે.આ અંગે જીલ્લાની કામગીરી સંભાળતા રાજૂભાઇ પોપટે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપરથી ગ્રાન્ટ ન આવી હોય પગારમાં મોડુ થયુ છે. હવે ગ્રાન્ટ આવી ગઇ છે અને ગ્રાન્ટ તાલુકામાં ફાળવાઇ ગઇ છે. સંભવીત સોમવારે અથવા મંગળવારે દરેક  કર્મચારીઓના પગાર થઇ જશે તેવી ખાત્રી આપી હતી.

(11:51 am IST)