Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજકોટ જિલ્લામાં જુગારના ૫ દરોડા : ૩૪ પકડાયા

પાટણવાવના વાડોદર ગામે ૮, વિંછીયાના ગુંદાળા ગામે ૬, શાપર વેરાવળમાં ૬, ઉપલેટામાં ૫ તથા ગોંડલમાં ૯ શખ્સો પત્તા ટીંચતા પકડાયા

રાજકોટ તા. ૮ : જિલ્લામાં શ્રાવણીયા જુગારના હાટડા ઉપર પોલીસ દરોડા પાડી ઘોંસ બોલાવી રહી છે. ગઇકાલે જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળે જુગારના દરોડામાં ૩૪ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં પાટણવાવના વાડોદર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પાટણવાવના પી.એસ.આઇ. વાય.બી.રાણાની સુચનાથી હેડ કો. એમ.વી.સુવા સહિતના સ્ટાફે વાડોદર ગામે રેઇડ કરી જુગાર રમતા મયુર હરીભાઇ ડાંગર, કિશન રમેશભાઇ ડાંગર, જયેશ રામભાઇ હેરભા, દેવાંગ દિનેશભાઇ વિરડા, પ્રકાશ વિક્રમભાઇ ચાવડા, રવિ પરબતભાઇ હેરભા, ભૌતીક જગદીશભાઇ વિરડા તથા હર્ષદ પરબતભાઇ હેરભા રે. તમામ વાડોદરને રોકડા રૂ. ૨૫,૪૬૦ તથા મોબાઇલ ફોન નંગ ૭ મળી કુલ રૂ. ૪૯,૯૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં વિંછીયાના ગુંદાળા ગામની સીમમાં વિંછીયા પોલીસ મથકના હેડ કોન્સ. યુવરાજસિંહ વાઘેલા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા વેલા લીંબાભાઇ કટેશીયા, વિનુ કરશનભાઇ મેટાળીયા, રાજેશ હકુભાઇ કટેશીયા, રમેશ જાગાભાઇ ઝાપડીયા, મનીષ ગણેશભાઇ કટેશીયા તથા રમેશ લઘરાભાઇ કટેશીયા રે. તમામ ગુંદાળાને રોકડા રૂ. ૩૦૫૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં શાપર - વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. રોહિતભાઇ બકોત્રા સહિતના સ્ટાફે વેરાવળ સ્વામીનારાયણનગર શેરી નં. ૧માં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા પ્રવિણસિંહ નટવરસિંહ ગોહિલ રે. વેરાવળ, ડેનીશ પરસોત્તમભાઇ અઘેરા રે. કાંગશીયાળી, વર્ષાબેન વજુભાઇ વિરાણી, વર્ષાબેન પ્રભુદાસભાઇ વીરોજા, ભાવનાબેન નવનીતભાઇ માંકડીયા તથા શારદાબેન ગોકળભાઇ સોલંકી રે. તમામ વેરાવળને રોકડા રૂ. ૧૦,૯૦૦ અને બે મોબાઇલ મળી કુલ રૂ. ૨૦,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં ઉપલેટા પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એલ.ગોયલ તથા સ્ટાફે ઉપલેટા સ્મશાન રોડ ઉપર રસુલપરામાં રહેતા અનવર હબીબભાઇ ઠૈબાના મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક અનવર ઠૈબા, ગની સીદીકભાઇ સુરીયા, હમીર ગોવાભાઇ આહિર, સાહિલ સલીમભાઇ કાદરી તથા મોહસીન મનસુરભાઇ શેખ રે. તમામ ઉપલેટાને રોકડા રૂ. ૨૩,૦૦૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

પાંચમાં દરોડામાં ગોંડલ સીટી પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.પી.ઝાલા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગોંડલ હાઇવે ગુરૂકુળ સામે પ્રદિપ અહેમદગીરી મેઘનાથીના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા મકાન માલિક પ્રદિપ મેઘનાથી, ભરત મનજીભાઇ વાઘેલા રે. ચોરડી, દિનેશનાથ ભીખુનાથ વેરાગનાથ રે. વૃંદાવન પાર્ક-૨ ગોંડલ, શૈલેષ ઘનશ્યામભાઇ સખીયા રે. ચરખડી, કાનજી દિનેશભાઇ ડાંગ રે. ચોરડી, મયુર ભીખુભાઇ સોલંકી રે. ચોરડી, રમણીક બટુકભાઇ મકવાણા રે. ચોરડી, મુકેશ ભોજાભાઇ વાઘેલા રે. ચોરડી તથા સોઢા મોહનભાઇ પનારા રે. થાનને રોકડા રૂ. ૬૬,૫૫૦ તથા મોબાઇલ નંગ ૮ મળી કુલ રૂ. ૭૬,૫૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:51 am IST)