Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

મનસુખ માંડવિયાના હસ્તે નાવિકો માટે ઓનલાઇન એકિઝટ એકઝામિનેશન સિસ્ટમ લોન્ચ : નાવિકો કોવિડ-૧૯ રોગચાળામાં તેમના ઘરેથી પરીક્ષા આપી શકશે

આ દરિયાઇ ક્ષેત્રમાં રોજગારીની પુષ્કળ તકોને ઝડપવાના પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવા તરફનો એક પ્રયાસ છે : મનસુખ માંડવિયા : ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે, જેણે નાવિકો માટે ઓનલાઇન એકિઝટ એકઝામિનેશન શરૂ કરી છે

ભુજ - અમરેલી તા. ૮ : કેન્દ્રીય રાજય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ સમારંભમાં નાવિકો માટે ઓનલાઇન એકિઝટ એકઝામિનેશનનું ઉદઘાટન કર્યું હતું. ડાયરેકટોરેટ જનરલ ઓફ શિપિંગ અંતર્ગત વિવિધ દરિયાઈ તાલીમ સંસ્થાઓમાં તાલીમ મેળવતા નાવિકો હવે કોવિડ-૧૯ રોગચાળાના આ અનઅપેક્ષિત સમયગાળામાં તેમના ઘરેથી સુવિધાજનક રીતે પરીક્ષા આપી શકે છે.

શ્રી માંડીવિયાએ એમના ઉદઘાટન સંબોધનમાં કહ્યું હતું કે, 'ભારત કુશળ અને લાયકાત ધરાવતા નાવિકો માટે જાણીતો છે. વર્ષ ૨૦૧૭માં ૧.૫૪ લાખ નાવિકોની સંખ્યા વર્ષ ૨૦૧૯માં ૨.૩૪ લાખ થઈ હતી અને અમારો લક્ષ્યાંક ભારતીય અને દુનિયાના દરિયાઈ ઉદ્યોગની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા પ લાખ નાવિકોને તૈયાર કરવાનો છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વપ્ન સેવ્યું છે કે, દરિયાઈ ક્ષેત્ર ભારતીય યુવાનો માટે મોટી સંખ્યામાં રોજગારી પેદા કરી શકે છે અને જહાજ મંત્રાલય પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવા અને રોજગારીની તકો ઝડપવા શકય તમામ પ્રયાસ કરી રહ્યું છે.'

તાલીમ સંસ્થાઓ સમયની સાથે પરિવર્તન કરી રહી છે, આ અંગે મંત્રીશ્રીએ ખુશી વ્યકત કરી હતી. શ્રી માંડવિયાએ ઉગેર્યું હતું કે, ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે, જેણે નાવિકો માટે આ રોગચાળા દરમિયાન તેમના ઘરેથી સુવિધાજનક રીતે ઓનલાઇન પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન પરીક્ષાને કારણે પરીક્ષાની સચોટતા અને ઉમેદવારોનું એકસમાન રીતે મૂલ્યાંકન સુનિશ્ચિત થઈ શકશે. ઓનલાઇન પરીક્ષા સાથે નાવિકોને તેમના ઘરેથી સુવિધાજનક રીતે એકિઝટ પરીક્ષામાં કવોલિફાઈ થવાની તક મળશે.

વર્ચ્યુઅલ ઉદઘાટન સમારંભમાં ડીજી શિપિંગ શ્રી અમિતાભ કુમાર દ્વારા મંત્રીશ્રીને સંપૂર્ણ ઓનલાઇન પરીક્ષા વ્યવસ્થા વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું ક, ઓનલાઇન એકિઝટ એકઝામિનેશન સલામતીની સંવર્ધિત ખાસિયતો સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જે ઉમેદવારોને ઘરેથી પરીક્ષા આપવા સક્ષમ બનાવે છે. જેમાં પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિની શકયતા નહીંવત્ છે. ઉમેદવારો વેબસાઇટ https:/www/dgsexams.in પર લોગીન કરીને એકિઝટ પરીક્ષા આપી શકે છે.

મોડ્યુલર અભ્યાસક્રમો માટે ત્રિસ્તરીય તાલીમ વ્યવસ્થામાં ઇ-લર્નિંગ પ્લેટફોર્મ, માન્યતા પ્રામ તાલીમ સંસ્થાઓ દ્વારા વર્ચ્યુઅલ કલાસરૂમ અને અભ્યાસક્રમને અંતે વર્ચ્યુઅલ ઓનલાઇન એકિઝટ પરીક્ષા સોલ્યુશન સ્વરૂપે સામેલ છે, જે ગુણવત્તાયુકત અને પ્રમાણભૂત તાલીમની સાથે નાવિકો દ્વારા પ્રામ જ્ઞાનની ચકાસણી પણ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત નાવિકો પોતાના ઘરેથી સુવિધાજનક રીતે પરીક્ષા આપતા હોવા છતાં દરિયાઈ વહીવટીતંત્ર દ્વારા વહીવટ અને નિરીક્ષણ પણ સુનિશ્ચિત કરે છે.

આ વર્ચ્યુઅલ ઉદઘાટન સમારંભમાં જહાજ મંત્રાલલના સચિવ શ્રી સંજીવ રંજન, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ડાયરેકટોરેટ જનરલ ઓફ શિપિંગના અધિકારીઓ, મેરિટાઇમ ટ્રેનિંગ સંસ્થાઓના અધિકારીઓ અને નાવિકો ઉપસ્થિત હતા.

(11:12 am IST)