Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

શિવભકતને કોઇમાં પણ શત્રુભાવ દેખાય તે શોભાયમાન નથીઃ પૂ.મોરારીબાપુ

તુલસી જયંતિ પ્રસંગે મહુવામાં એવોર્ડ અર્પણ સમારોહ

તુલસી જન્મોત્સવ સમારોહમાં સ્ટેજના પગથીયે બેસીને પૂ.મોરારીબાપુએ વકતાઓની પ્રતિક્ષા કરી હતી. (તસ્વીરઃ મુકેશ પંડિત-ઇશ્વરીયા)

રાજકોટ તા. ૮ : સંત તુલસીદાસજીના જન્મદિન નિમિત્તે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા-ચિત્રકૂટધામ કૈલાસ ગુરૂકુળ ખાતે ચાર દિવસીય તુલસી સાહિત્ય સંગોષ્ઠિ અને એવોર્ડ વિતરણ સમારોહ પૂ. મોરારીબાપુની અધ્યક્ષતામાં યોજાયો હતો.

જેમાં ચાર દિવસ દરમિયાન દરરોજ જુદા-જુદા વકતાઓ દ્વારા સાહિત્ય વિષયક સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા.

તુલસી સાહિત્ય સંગોષ્ઠિમા કાલે વિરામના દિવસે પૂ. મોરારીબાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે કોઇપણ કથા ગાયક પોતાની જાતને નાનો ન સમજે શંકર માટે 'કામ' એ શત્રુ ન હોત, કામ માટે શંકર શત્રુ હતાં આ વાત કરી મોરારિબાપુએ કહ્યું કે શિવભકતને કોઇમાં પણ શત્રુભાવ દેખાય તે શોભાયમાન નથી.

અયોધ્યાની માનસ ગણિકા કથા સંદર્ભે થયેલી ટીકા ટીપણનો ખેદ વ્યકત કરતા મોરારિબાપુએ જવાબ આપ્યો કે ભગવાન રામ ગણિકાનો ઉધ્ધાર કરી શકે તો મને કથા કરવામાં કોઇ વાંધો નથી. તેઓએ આ ગુરૂકુળને કથાકુળ ગણાવી, સૌને આવતા રહેવા કહ્યું હતું. વાલ્મિકી રામાયણ અને તુલસીકૃત રામયણમાં ઉભા થતાં પ્રશ્નોનું અરસપરસ સમાધાન મળે છે. હિત કરે તે ઉપદેશ એટલે શાસ્ત્રી. વેદથી બીજું કોઇ શાસ્ત્ર નથી. તેઓએ રામાયણના રામ વનવાસ પ્રસંગોનું વર્ણન કર્યું છે.પૂ. મોરારિબાપુએ કહ્યું કે તુલસીની ચોપાઇમાં રહેલ સત્ય, વચન, નિર્મળ  મન અને કપટ રહિત એ જ સત્ય, પ્રેમ, કરૂણા છ.ેઆ સતકે પૂ. મોરારિબાપુના હસ્તે ''પ્રિયબાપુ અને રામકથા પ્રકાશનનું લોકાર્પણ'' કરાયું હતું. સંપાદક સુમનભાઇ શાહ તથા અવલોકનકાર વિનોદ જોષીએ પોતાની વાત રજુ કરી.હરિચંન્દ્રભાઇ જોષીના સંચાલન તળે આ કાર્યક્રમ પ્રારંભે પ્રાર્થિવભાઇ હરિયાણી, હરિદાસ, શાસ્ત્રી અને સંગીતવૃદ દ્વારા વિનય પત્રિકા ગાન રજુ થયા બાદ કૈલાસ ગુરૂકુળની સંયોજક જયદેવભાઇ માંકડ સાથે કાર્યકર્તા અને વિદ્યાર્થીઓએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી.

(4:11 pm IST)