Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

મુળ કચ્છનાં અને યુકેના કાઉન્સેલર મહિલાને મિલ્કત પોતાના નામે કરવા-૯૦ લાખ આપવા મોરબીના શખ્સને ખૂનની ધમકી

ભુજ, તા.૮: મૂળ કચ્છના રાપરના અને હાલે યુકે માં પોતાના પરિવાર સાથે રહેતા વિધવા મહિલાએ મિલકતના મુદ્દે ધાકધમકી કરવા બદલ મોરબીના શખ્સ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

યુકે સરકારમાં કાઉન્સેલર તરીકે સેવા આપતા અનિતા વસંતલાલ ઠક્કરે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે તેમના પતિ રાપરમાં બિલ્ડર તરીકે કામ કરતા હતા તે દરમ્યાન તેમને લકવો થતા નાણાંની જરૂરિયાત પડતા અનિતાબેને તેમના પરિચિત મુંબઈના સીદીક શેખનો સંપર્ક કરતા તેમણે મિલકત ઉપર લોન આપવાની વાત કરી મોરબીના ભુપત પરમાનંદ રવેશિયાને મળવા જણાવ્યું હતું. દરમ્યાન અનિતાબેને મિલકતના અસલ દસ્તાવેજ ભૂપતભાઈને આપી દીધા તે વચ્ચે તેમના પતિનું વસંતલાલ ઠક્કરનું મૃત્યુ નીપજયું હતું. જોકે, ભુપતભાઈએ ન પૈસા આપ્યા કે ન મિલકતના દસ્તાવેજ આપ્યા. પણ, મોબાઈલ ઉપરથી ફોન કરીને તેમ જ વ્હોટ્સએપ દ્વારા ફોન કરીને અનિતાબેનને ૯૦ લાખ રૂપિયા આપવા તથા મિલકત પોતાને નામે કરી દેવા ધમકી આપતા રહ્યા.

હાલ, યુકે સરકારના કામસર ગુજરાત આવેલા અનિતાબેન ઠક્કરે ભુપત રવેશિયા સામે ધાકધમકી ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પણ લખાવી છે. સમગ્ર બનાવની તપાસ રાપર પોલીસે હાથ ધરી છે.

(12:07 pm IST)