Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

બીલીમોરા :પ્રેમી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી યુવતીનો ગળેફાસો ખાઈને આપઘાત :ચકચાર

પ્રેમી દારૂ પીવાની ટેવ હોવાથી બંને વચ્ચે તકરાર થતી હોવાની પણ ચર્ચા

બીલીમોરા નજીક આવેલા સિંગલ ફળિયામાં પ્રેમી સાથે રહેતી યુવતિએ ઘરમાં પતરાની એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે

 અંગે મળતી વિગત મુજબ બીલીમોરા નજીક આવેલા તલોધ ગામે ભગત ફળિયામાં રહેતી લક્ષ્‍મી ઉર્ફે સોનલ ભીખુભાઇ નાયકા (ઉ.વ. ૨૧)ના લગ્ન ત્રણ વર્ષ અગાઉ વલસાડ ખાતે થયા હતા પરંતુ પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં થતાં છુટાછેડા થયા હતા. ત્યારબાદ સોનલ પોતાના પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી.

  દરમ્યાન તેની આંખો નજીકમાં આવેલા સિંગલ ફળિયાની હનુમાન ગલીમાં રહેતા અને છુટક મજૂરીકામ કરતા નિલેશ રાઠોડ (ઉ.વ. ૨૪) સાથે મળી ગઇ હતી. આથી બંને પ્રેમીપંખીડાઓ લગ્ન વિના સાથે સહજીવન માણવા લાગ્યા હતા. છેલ્લા અઢી-ત્રણ વર્ષથી સોનલ પ્રેમી નિલેશ રાઠોડની સાથે તેના ઘરમાં રહેતી હતી. નિલેશ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. જેનાં કારણે બંને વચ્ચે ટસલ થતી રહેતી હતી.

  દરમ્યાન સવારે ૯-૩૦ વાગ્યાના સુમારે નિલેશ ઘરની પાછળ વાડામાં બેઠો હતો ત્યારે એકાંતનો લાભ લઇ લક્ષ્‍મી ઉર્ફે સોનલે કોઇ અગમ્ય કારણોસર ઘરની છતનાં પતરાની લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી તેનો ગળે ફંસો લગાવી લીધો હતો. થોડો વખત વીત્યા બાદ નિલેશ ઘરમાં આવતા તેણે સોનલને લટકતી હાલતમાં જોતાં બૂમાબૂમ કરી મુકી હતી.તે સાંભળી આજુબાજુમાં રહેતાં લોકો દોડી આવી સોનલને નીચે ઉતારી પ્રથમ બીલીમોરાની ખાનગી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા પરંતુ તે અગાઉ જ તેનું મોત નીપજ્યું હતું.

  આ બનાવ અંગે મરનાર સોનલની માતા પાર્વતીબેન ભીખુભાઇ નાયકા (ઉ.વ. ૫૦, રહે. તલોધ)એ બીલીમોરા પોલીસને ખબર આપતાં પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(8:26 pm IST)