Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભાવનગર શ્રીકૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રમુખને રાજયપાલના હસ્તે એવોર્ડ

ભાવનગર તા.૮ : રાજભવન ગાંધીનગર ખાતે અંધજન મંડળ રાજયશાખા અમદાવાદ દ્વારા રાજયપાલ ઓમપ્રકાશ કોહલીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખાના પ્રમુખ શશીભાઇ આર.વાઘરને પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓના પુનઃસ્થાપન માટે સર્વોચ્ચ સેવા આપવા બદલ રાજયનો શ્રેષ્ઠ એવો સ્વ.ભીખાભાઇ ચુનીલાલ શાહ એવોર્ડ ૨૦૧૮ રાજયપાલના હસ્તે કરતા તેઓને વર્ષ ૨૦૧૪ની સંસ્થા મુલાકાત સમયે નિહાળેલી પ્રવૃતિને ટાંકી સમાજસેવાના તેજસ્વી તારલા કહી બિરદાવ્યા હતા. જે બદલ સંસ્થા પરિવારે ગૌરવની લાગણી વ્યકત કરતા અભિનંદન પાઠવ્યા હતા.

પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓના સર્વાંગી વિકાસક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર વ્યકિતઓને પ્રતિવર્ષ એનાયત કરવામાં આવે છે. ત્યારે સંસ્થા પરિવાર વતી જનરલ સેક્રેટરી લાભુભાઇ સોનાણીએ જણાવ્યું કે, શશીભાઇ વર્ષ ૧૯૮૪થી પ્રજ્ઞાચક્ષુઓના સર્વાગી વિકાસ માટે કાર્યરત છે. તેઓ ઘણા સમયથી બંને સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને હાલ બંને સંસ્થાઓના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. શશીભાઇનો સમાવેશ દેશના શ્રેષ્ઠ ઉદ્યોગપતિમાં થાય છે. તેમ છતા તેઓ દિવ્યાંગોના સર્વાંગી વિકાસના કાર્ય માટે હંમેશા અગ્રેસર રહ્યા છે.

તેઓ દિવ્યાંગોને ન્યાય મળે તે માટે થયેલા આંદોલનોમાં પણ ભાગ લીધો છે. પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે ફંડ એકત્રીકરણ કરવા, તેઓને માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે બિલ્ડીંગના નિર્માણ માટે હંમેશા સક્રિય રહ્યા છે. તેઓના માર્ગદર્શન હેઠળ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ રાજયની ૧૧ હજાર માધ્યમિક શાળાઓમાંથી રાજયની શ્રેષ્ઠ શાળાનું સન્માન પણ હાંસલ થયેલ છે.

(12:01 pm IST)