Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ધારીમાં વ્યાજના વિષચક્રએ વિપ્ર આધેડનો ભોગ લીધો

રૂપીયા પરત આપી દીધા હોવા છતા પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધીઃ ૭ સામે ગુન્હો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૮: અમરેલી જિલ્લામાં વ્યાજખોરો બેફામ બનતા જાય છે. વ્યાજના નાણાની ઉઘરાણી કરી પઠાણી વ્યાજ વસુલતા તત્વો સામે પોલીસ ઘુટણીયા ટેકવી દીધા હોય તેવો તાલ જોવા મળી રહયો છે. પરીણામે વ્યાજની ચુંગલમાંથી નિકળવા પ્રયત્ન કરતા લોકો જીવનનો અંત સુધી પગલુ ભરી લે છે તેવો કિસ્સો ધારીમાંથી બહાર આવતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે ધારીમાં પશુ દવાખાના પાસે રહેતા જયદીપ જૈમીનભાઇ જોષીના પિતા જૈમીનભાઇએ ઉંચા વ્યાજે ધારીના વાસુર આહીર, જયદીપ સોલંકી, રમણીક પરમાર, ભરત ઢોલા, શૈલેષ જોરૂ રે. માણાવાવ, ધારીના રાણા પાંચા, કોઠા પીપરીયાના મહીપત વાળા નામના શખ્સ પાસેથી રૂપીયા લીધા હતા.

તમામ રકમ વ્યાજ સાથે ચુકવી દીધા છતા તમામ શખ્સો વધુ રકમ માંગી બંન્ને પિતા-પુત્રને ત્રાસ આપી ધમકી આપતા હોય જેથી કંટાળી જઇ લીંબડીયાના નેશ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લેતા આ બનાવને પગલે ધારી પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(3:55 pm IST)