Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

પોરબંદર જેસીઆઇની સતત ર મહિનાની આરોગ્ય ઝુંબેશ ફળી : ૫૮૫૦ દર્દીઓને લાભ

પોરબંદર : જેસીઆઇ પોરબંદરે સતત બે મહિના આરોગ્ય ઝુંબેશ ચલાવી હતી અને સંતરામ મંદિર નડીયાદ મારફત ૫૮૫૦ દર્દીઓને મફત સારવાર આપેલ.

બે મહિનામાં જેસીઆઇ પોરબંદર પ્લસ દ્વારા સંતરામ મંદિર નડીયાદના સહયોગથી પોરબંદર,દેવભૂમી દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના જૂદા જૂદા ગામોમાં મફત મેડીકલ કેમ્પોના આયોજન કરી ૫૮૫૦ જેટલા દર્દીઓને મફત સારવાર અને જરૂરી દવાઓ આપી તથા જરૂરીયાતમંદ દર્દીઓના એકપણ રૂપિયાનો ચાર્જ લીધા વગર ઓપરેશનો કરી આપી સેવાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

જેસીઆઇ પોરબંદર અને સંતરામ મંદિર નડીયાદના સંયુકત ઉપક્રમે પોરબંદર જિલ્લાના દેગામ, મિયાણી, રાતીયા અને દેવડા તથા દેવભૂમી દ્વારકા જિલ્લાના ગોરાણા અને જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે મેડીકલ કેમ્પોના આયોજન કરાયા હતા. આ તમામ ગામોના ૫૮૫૦ જેટલા દર્દીઓને મફત સારવાર અને જરૂરી દવાઓ આપી હતી. ઉપરાંત ૨૯૦ જેટલા આંખના દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી અપાયા હતા.

જેસીઆઇ પોરબંદર દ્વારા આયોજીત આ તમામ કેમ્પોમા સંતરામ મંદિર નડીયાદના અનુભવી ડોકટરોની ટીમે સેવાઓ આપી હતી. આ ટીમમાં આંખના ૭૦ હજાર ઓપરેશન કરી ડો.ઘનશ્યામ ચૌહાણ ફેકો પધ્ધતીથી વધુ ઓપરેશન કરવાનો રેકોર્ડ ધરાવતા ડો.ઉદ્યન પટેલ એક દિવસમાં ૧૦૪ ઓપરેશન કરવાનો રેકોર્ડ ધરાવનાર ડો.મંથન પટેલ, ડો.સુરેશ મિસ્ત્રી, ડો.પ્રેમલ શાહ, ડો.રમેશ સોલંકી સહિતના ડોકટરો અને તેમની ટીમે આ કેમ્પોમાં સેવાઓ આપી હતી.

જેસીઆઇ પોરબંદર દ્વારા કરવામાં આવેલ આ આરોગ્યલક્ષી પ્રવૃતિઓની જિલ્લા વહીવટીતંત્રએ પણ નોંધ લઇ નિવાસી અધિક કલેકટરશ્રીએ અભિનંદન પત્ર પાઠવી જેસીઆઇ પોરબંદર તથા સંતરામ મંદિરની આરોગ્યલક્ષી કામગીરીને બિરદાવી હતી.

ત્રણ જિલ્લાના જૂદા જૂદા ગામોમાં સતત બે મહિના સુધી ચાલેલ આ મેડીકલ કેમ્પોમાં પ્રચાર કાર્યથી શરૂ કરી કેમ્પોના આયોજનો અને જરૂરીયાતમંદ દર્દીઓના ઓપરેશનો કરી તમામ દર્દીઓને પોતપોતાના ગામ સુધી પહોચાડવા સુધીની વ્યવસ્થા કરી આ કેમ્પોને સફળ બનાવવા જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયા, પ્રમુખ નિલેશ જોગીયા અને જેસીઆઇ પોરબંદરની સમગ્ર ટીમ તથા સંગરામ મંદિર નડીયાદના કેયુર શુકલા, નચિકેત ઉપાધ્યાય તથા પાર્થ વિસાણા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.(૪૫.૪)

(12:47 pm IST)