Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

સમસ્ત ઓખા મંડળ મહેશ્વરી મેઘવાર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ઉજવાયો

મીઠાપુર તા. ૮ :..  દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે આવેલ પ્રસિધ્ધ અને પ્રાચીન એવા શ્રી આશાપુરા માતાજીના મંદિરની બાજુમાં આવેલા સબરસ ભવન ખાતે ગત તા. ૭-૭-૧૯ ને રવિવારના રોજ શ્રી મહેશ્વરી યુવા મંડળ સમસ્ત ઓખા મંડળ તથા મહેશ્વરી પરિવાર મીઠાપુર દ્વારા સમસ્ત ઓખા મંડળ મહેશ્વરી મેઘવાર સમાજના તેજસ્વી તારલાઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ ગોઠવાયો હતો. આ તકે અ જ સમાજના ધોરણ ૧ થી ૧ર ત્થા ઉચ્ચ અભ્યાસ કરતા આશરે ૪૬૮ જેટલા વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતાં. આ શુભ પ્રસંગની શરૂઆત માં દીપ પ્રાગટય કરાયા બાદ ત્યાં ઉપસ્થિત રહેલા મહેમનો જેવા કે ધર્મગુરૂ, મીઠાપુર પી. આઇ. મોહનભાઇ ગોહીલ, અશોકભાઇ શ્રીમાળી, ટી. સી. એસ. આર. ડી.ના કામાણી, રાણીબેન, મંગુભાઇ ચાવડા, કમલેશભાઇ લઘા, રાજુભાઇ લઘા વગેરેના સ્વાગત બાદ આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. પ્રસંગે અનુસાર પોતાના વકતવ્યમાં મીઠાપુર પીઆઇ ચંદ્રકલાબા બી. જાડેજા દ્વારા સમાજ અને પરિવાર તથા દેશના ઉધ્ધાર માટે શિક્ષણ જ પાયો છે તથા દરેક વાલીઓને પણ પોતાના બાળક પર સતત ધ્યાન કેન્દ્રીત કરી તેઓને અભ્યાસમાં કોઇપણ જાતની તકલીફ ના પડે તે બાબતે તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં મહેશ્વરી યુવા મંડળ સમસ્ત ઓખા મંડળ તથા મીઠાપુરના મહેશ્વરી પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

(12:16 pm IST)