Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જામનગરના એટીએમમાં મળશે દૂધ

પાંચ લાખનો ખર્ચ કરીને બનાવ્યું મશીનઃ ૧૦૦ લીટર દૂધ અને છાશ રાખી શકાય એટલી ક્ષમતા છે

જામનગર તા. : .. જેમ ચોવીસ કલાક દરમ્યાન ગમે ત્યારે એટીએમમાંથી પૈસા લઇ શકય છે એવી રીતે જામનગરમાં હવે એટીએમમાંથી દૂધ પણ લઇ શકાય. જામનગરના ગોકુલનગર અને દરેડ બસ  - સ્ટોપ પાસે એવાં એટીએમ મુકવામાં આવ્યા છે. જેમાંથી દૂધ અને છાશ મળે છે. આ એટીએમમાંથી દૂધ અને છાશ લેવા માટે તમે બેન્કનું એટીએમ કાર્ડ પણ વાપરી શકો છો જે એની સૌથી મોટી ખાસીયત છે. લીટર દીઠ દૂધનો ભાવ ૬૦ રૂપિયા અને છાસનો ભાવ વીસ રૂપિયા છે. આ એટીએમ કોઇ સંસ્થાના નહીં, પણ લક્ષ્મણભાઇ નકૂમ નામના જામનગરવાસીના છે, લક્ષ્મણભઇ કહે છે, 'છૂટક મળતા દૂધમાં લોકોને ભેળસેળની બીક હોય છે એટલે માણસ અડે પણ નહીં એ પ્રકારનું મશીન બનાવવાનો વિચાર આવ્યો જેમાંથી ચોવીસ કલાક દૂધ મળે. બેન્ગલોર અને અમદાવાદમાં તપાસ કરી પણ આવા મશીન હતાં નહીં એટલે તે લોકો સાથે મળીને આ મશીનની ડીઝાઇન તૈયાર કરી અને મશીન બનાવડાવ્યા.'

આ મશીનની પડતર કિંમત પાંચ લાખ રૂપિયા  છે. લક્ષ્મણભાઇની ઇચ્છા છે કે તે ગુજરાતભરમાં આ પ્રકારનાં મશીન મુકે અને લોકો જાતે જ દૂધ-છાશ ખરીદે જેથી તેમના સ્વાસ્થ્ય સાથે કોઇ ચેડા કરે નહીં. આ મશીન પર દૂધ લેવા આવનારા પાસે વાસણ ન હોય તો પણ વાંધો નથી આવતો, કારણ કે મશીનમાં જ બનાવવામાં આવેલા એક ખાનામાં પ્લાસ્ટિકની કોથળીઓ હોય છે.

મશીનમાં સો લીટર દૂધ અને એટલી જ છાસ સમાવી શકાય છે. મશીનની બીજી ખાસિયત એ છે કે એમાં રહેલાં દૂધ-છાસ ૭ર કલાક સુધી બગડતાં નથી.

(12:13 pm IST)