Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ઓખા સરકારીતંત્ર દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ : ઓખા બંદર બેટ જેટી બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ સી.સી.કેમેરા લગાવ્યા નથી !!

ઓખા તા.૬ : ઓખા મંડળનો દરિયા કિનારો દેશના પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદનો વિશાળ સાગર કાઠો ધરાવતો આ જીલ્લામાં ગુપ્ત સંસ્થાઓના અહેવાલ અનુસાર આતંકવાદી પ્રવૃતિ કરતા તત્વોની ગેરકાયદેસર ગતિવિધી રોકવા જીલ્લાના તમામ મહત્વના સ્થળોએ નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન વાળા ૧૫ દિવસની રેકોર્ડીંગ ક્ષમતા ધરાવતા સીસીટીવી કેમેરા મુકી ૨૪ કલાક ચાલુ રાખવા જીલ્લાના અધિક મેજીસ્ટ્રેટએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી આ જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડનીય કામગીરી કરવામાં આવી રહી છે.

પરંતુ અહીના સંવેદનશીલ ગણાતા પોર્ટ બંદર, બેટ પેસેન્જર જેટી, ડાલ્ડા બંદર, માચ્છી મારી જેટીઓ પર કે જયા રોજ હજારોની સંખ્યામાં યાત્રિકો પ્રવાસીઓ અને માચ્છીમારોની આવન જાવન રહે છે. અહી એક પણ કેમેરો લગાવેલ નથી અને તમામ કાયદાઓનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળે છે. આ જાહેરનામા ભંગ બદલ દંડનીય કામગીરી કોની સામે કરવી તે એક મોટો સવાલ ઉભો થાય છે. કારણ કે અહી આ મોખા મંડળના દરિયાકિનારાનો વિસ્તાર કોની માલીકીનો છે તે તંત્રને ખબર નથી.

ઓખાના કાઠાની શરૂઆત પોર્ટ બંદરથી શરૂ કરી ત્યાથી કોસગાર્ડની કનકાઇ જેટી, બેટ પેસેન્જર જેટી બાદ કરતા ડાલ્ડા બંદર, આરકે.જેટી, આરભંડા નેટતરના પુલની જેટી વગેરે એરિયા રેઠો પટ જણાઇ છે. અહી દરિયાકાઠાની જમીનના કોઇ માલીક નથી.આ દરિયાકાઠા વિસ્તારમા ૧૫૦ પેસેન્જરો બોટો અને પાંચ હજાર માછીમારી બોટો ભગવાન ભરોસે કાર્યરત છે. છતા પણ અહી સરકારી તંત્રને એક પણ પૈસાની આવક વગર કરોડો રૂપિયાની માછીમારી ઉદ્યોગ કાળીયા ઠાકુર ભરોસે ચાલે છે. આંતરરાષ્ટ્રીય સામુદ્રી સરહદી વિસ્તાર સમાન આ કાઠાની જમીનને કોઇ એક સરકારી તંત્ર હસ્તક લઇ જમીન સંપાદન રેગ્યુલાઇઝર કરી સાગર ખેડૂતોને આપવામાં આવે તો માછીમારીનો વેપાર ઉદ્યોગ વધે અને સરકારને પણ કરોડો રૂપિયાનો આર્થિક લાભ મળે તેમ છે.

અત્યારે ઓખા બેટની પેસેન્જર જેટીને બાદ કરતા આ દરિયાકાઠામાં ૩૧ માછીમારી જેટીઓ અને ૫૦૦ જેટલા પાકા બાંધકામ સમાન દંગાઓ પણ કાર્યરત છે. જે સરકારીતંત્ર સાથે તમામ સુરક્ષા એજન્સીઓ પણ અજાણ છે. અહી જમીન સંપાદન કાયદા અને સરહદી સુરક્ષા કાયદાઓના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થાય છે.

(12:12 pm IST)