Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં કરાયેલ નિર્ણય

કચ્છમાં વારંવાર અકસ્માતો સર્જતા માર્ગ પરના બ્લોકસ્પોટ દૂર કરાશે

ભુજ તા.૮ : જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે યોજાયેલી રોડ સેફટી કાઉન્સીલની બેઠકમાં શહેરની અંદર તથા બહાર, નેશનલ તેમજ સ્ટેટ હાઇવે સહિત અન્ય રસ્તા પર બ્લેક સ્પોટ કે જયાં વારંવાર અકસ્માત થાય છે તે શોધી કાઢીને તેને દૂર કરવા અને તેના પરિણામનું સતત મોનીટરીંગ કરવા માર્ગ-મકાન વિભાગ અને નગરપાલિકાને નિર્દેશ અપાયાં હતા.

     ઉપરાંત કચ્છમાં થતાં માર્ગ અકસ્માતોનું નિરીક્ષણ અને પરિક્ષણ કરવા, અકસ્માતના કારણો, ગંભીર ઇજા, મૃત્યુના કારણો જાણવા અને મળેલ તારણ પરથી તે દૂર કરવા કાર્યવાહી હાથ ધરવા બેઠકમાં સૂચના અપાઇ હતી માર્ગ-મકાન, આરટીઓ, શિક્ષણ,પોલીસ અને નગરપાલિકાના તંત્રોને સૂચના અપાઇ હતી.

     અન્ડરએજ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ આરટીઓ, ટ્રાફિક પોલીસની સંયુકત કાર્યવાહીરૂપે મોટર વેહીકલ્સ એકટની કલમ અનુસાર કાર્યવાહી કરવા ઝુંબેશ શરૂ કરાશે. વધુમાં જાહેર માર્ગ ઉપર રબ્બર સ્ટ્રીપ, સ્પીડબ્રેકર, રોડ નિશાનીઓ વગેરે મૂકવા અને જયાં અસ્કમાતોની શકયતા વધુ હોય કે વખતોવખત અકસ્માત થતા હોય તેવી જગ્યાએ વધુ ધ્યાન આપવા માર્ગ-મકાન વિભાગને નિર્દેશ અપાયો હતો.

     વાહન ચાલકોને વાહન ચલાવવામાં અડચણરૂપ થાય તેવા હોર્ડિંગ્સ કે અન્ય અડચણો દૂર કરવા પણ જણાવાયું હતું. ડ્રન્કન ડ્રાઇવીંગ, ઓવર સ્પીડીંગ, રેડલાઇટ જમ્પીંગ, હેલ્મેટ, સીટબેલ્ટ, ચાલુ વાહને મોબાઇલ ફોનના ઉપયોગ, રીફેલેકટીવ રેડીયમ સ્ટ્રીપ, રીફલેકટફર્સની જોગવાઇઓની કડક અમલવારી કરાવવા પણ આરટીઓ અને પોલીસતંત્રને સૂચના અપાઇ હતી.

     સાથો-સાથ માર્ગ અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવા અને રાહદારીઓ માટે તેને ઉપલબ્ધ કરાવવા, અકસ્માત થતાં તુર્ત જ સારવારર મળે અને ખોટો સમય ન વેડફાય તે માટે વારંવાર અકસ્માત સર્જાતાં હોય તેવા સ્થળોએ ઇમરજન્સી નંબર પ્રદર્શિત કરવા અને સારવારની સુવિધા સુદ્રઢ બનાવવા પણ બેઠકમાં આરોગ્ય અને માર્ગ-મકાન વિભાગને નિર્દેશો અપાયાં હતા.

     શૈક્ષણિક સંસ્થાઓ-જાહેર સ્થળોએ મેળા જેવા પ્રસંગોએ માર્ગ-સલામતિ માટે જાગૃતિ વધારવા પણ બેઠકમાં ભાર મૂકાયો હતો.

     આ બેઠકમાં આરટીઓ દિલીપ યાદવ, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ભુજના ડીવાયએસપી શ્રી દેસાઇ, પૂર્વ કચ્છના ડીવાયએસપી શ્રી વાદ્યેલા સહિત માર્ગ-મકાન વિભાગના કે.આર.પટેલ,ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી બોડાત સહિત અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:10 pm IST)