Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

જુનાગઢ: ફી મોડી ભરનાર વિદ્યાર્થિનીના આચાર્યએ વાળ કાપ્યા: વાલીઓમાં રોષની લાગણી

જુનાગઢમાં શિક્ષણ માફિયાઓ બેફામ બની ગયા છે. ફી બાબતે શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપર રીતસરના દાદાગીરી પર ઉતારી રહ્યા છે. એક શાળાના પ્રિન્સીપાલે ફી મોડી ભરનારી એક વિદ્યાર્થિનીના વાળ કાપી નાખતા ચકચાર ફેલાઈ છે.

જુનાગઢની કારમેલ કોન્વેન્ટ સ્કુલના સંચાલકો બેફામ બની ગયા છે. ફી વધારા મુદ્દે પોતાની જ મનમાની ચલાવી રહ્યા છે. શિક્ષણ વિભાગના નિયમોની એસીતેસી કરી પોતાની દાદાગીરી ચલાવે છે. શાળામાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી મહેમીદાબાનું જાવેદભાઈ થઈમ નામની વિદ્યાર્થીનીએ ફી મોડી ભરતા પ્રિન્સીપાલ ચંદ્રિકાબેન પરમારે તેના વાળ કાતર વડે કાપી નાખ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે, જુનાગઢની ગાંધીગ્રામમાં આવેલી કાર્મેલ કોન્વેટ સ્કૂલમાં મહેમીદાબાનું જાવેદભાઈ થઈમ નામની એક વિદ્યાર્થિની અભ્યાસ કરે છે. તેણે રિસેસ દરમિયાન શાળાના આચાર્ય ચંદ્રિકાબહેનને સ્કૂલ પુરી થાય તે પહેલા ફી ભરી દેશે તેમ જણાવ્યું હતું.

જોકે, ફી મોડી થવાની વાતથી ચંદ્રિકાબહેન ઉશ્કેરાઇ ગયા હતા અને કાતરથી વિદ્યાર્થીનીના વાળ જ કાપી નાખ્યા હતા.આ ઘટનાની વિદ્યાર્થીનીની વાલીને ખબર પડતા તેઓ સ્કૂલ પર ગયા હતા અને ઘટનાની શિક્ષણ અધિકારીને જાણ કરી હતી બાદમાં ચંદ્રીકા મેડમે માફી પત્ર લખી આપ્યું હતું.

આ ઘટનાના પગલે કારમેલ કોન્વેન્ટ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વાલીઓએનો રોષ જોતા ચંદ્રિકા મેડમ શાળામાંથી જતા રહ્યા હતા અને તેમને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો.

આ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના જણાવ્યા પ્રમાણે 'હું રીસેસમાં મળવા ગઈ હતી કે મેડમ હું ફી ભરી આપીશ. પણ તેમણે વાત ન સાંભળી તારા વાળ ખુબ લાંબા છે અને ખુલ્લા છે તેમ કહી ફી નહીં ભરવાની દાઝ રાખી મારા વાળ કાતરથી કાપી નાખ્યા હતા. મને ધમકી આપી હતી કે, તમામ મુસ્લીમોના દીકરાઓ અહી અભ્યાસ કરે છે.

આમ, હાલ તો સ્કુલના સંચાલકોને પ્રિન્સીપાલ ચંદ્રિકા પરમારને રજા ઉપર ઉતારી દીધા છે અને સમગ્ર મામલો થાળે પડી ગયા હોવાનું રટણ કરે છે. ત્યારે આવી ઘટનાથી વાલીઓ ચિંતામાં પડી ગયા છે. શિક્ષણ માફિયાઓ ઉપર કોઈ લગામ લાગશે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે.

(9:44 pm IST)