Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

પોરબંદર-સોમનાથ લોકલ ટ્રેનના ૪ ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં: ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી: ઘટના કેવી રીતે બની તે અંગે પણ અધિકારીઓ તપાસ હાથધરી

પોરબંદર-સોમનાથ લોકલ ટ્રેન વાંસજાળિયા નજીક દુર્ઘટનાનો શિકાર બની હતી. ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં આ ડબ્બામાં બેઠેલા મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.આ ટ્રેન દુર્ઘટનાના કારણે ટ્રેન વ્યવહાર કેટલાક સમય માટે ખોરવાયો હતો. જોકે ટેક્નિકલ વિભાગે વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજના સમયે પોરબંદર- સોમનાથ લોકલ ટ્રેન વાંસજાળિયા રેલવે સ્ટેશન પર આવી રહી હતી. જોકે, આ સમયે રસ્તામાં જ અચાનક ટ્રેનના ૪ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. આ ઘટનાના પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં હતા. જોકે સમયસુચકતા દાખવી ટ્રેન ચાલકે ટ્રેનને અટકાવી દીધી હતી.

આ ટ્રેન દુર્ઘટનાના પગલે કેટલીક ટ્રેનો વ્યવહારને અસર પડી હતી. ટ્રેન વ્યવહાર બંધ રહેતા કેટલીક ટ્રેનોના ટાઈમ ટેબલ ખોરંભાયા હતાં. પોરબંદર - મુંબઈ ટ્રેન 20 મિનિટ મોડી પડી હતી. જો કે ટેક્નિકલ વિભાગે વ્યવહાર પૂર્વવત કરતા ટ્રેન વ્યવહાર ફરી શરૂ થયો હતો.

ટ્રેનની ઘટનાની જાણ થતાં જ પોરબંદરથી રેલવેના અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ટીમ પણ રવાના થઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં તમામ મુસાફરો સલામત છે. જોકે, આ ઘટના કેવી રીતે બની તે અંગે પણ અધિકારીઓ તપાસ હાથધરી છે.

(1:10 pm IST)