Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

જામનગર: વાંસજાળિયા નજીક લોકલ ટ્રેનના ચાર ડબ્બા ટ્રેક પરથી ખડી પડ્યા: 3 કલાકની મહેનત બાદ રેલ્‍વે ટ્રેક રીપેર કરી ફરી ટ્રેન રવાના થઇ

 જામનગર: જામનગર જીલ્લાના વાંસજાળિયા ગામે રેલ્વે સ્ટેસન પર ટ્રેન આવે તે પૂર્વે અંતિમ ચાર ડબ્બા ટ્રેક પરથી ખડી જતા અફરાતફરી મચી સાથે દોડધામ મચી ગઈ હતી. રેલ્વે ડ્રાઈવરના ત્વરિત નિર્ણયના કારણે મોટી ઘટના સહેજમાં ટળી હતી. આ ઘટનાને પગલે અમુક પેસેન્જરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. ત્રણેક કલાકની ટેકનીકલ ટીમની જહેમત બાદ ટ્રેનને પુનઃ ટ્રેક પર સજ્જ કરી આગળ ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે એક ટ્રેન ચાલીસ મિનીટ મોડી રવાના કરવામાં આવી હતી.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે રેલ્વે સ્ટેશન તરફ ૫૯૨૯૮ નંબરની સોમનાથ - પોરબંદર ટ્રેન ૧૦૯ ટ્રેપ પોઈન્ટની લાઈન નબર ૩ પર આવી રહી હતી ત્યારે સાંજના સાત વાગ્યાને બત્રીસ મીનીટે આ ટ્રેનના પાછળના ત્રણ ડબ્બા અને અંતિમ એક સહીત ચાર ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા હતા. સ્ટેશન પર પહોચી રહેલી ટ્રેનની ગતિ મંદ હોવાથી ડ્રાઈવરે તુરંત પરિસ્થિતિ પામી લઇ, ત્વરિત ટ્રેન બંધ કરી થંભાવી દીધી હતી. એકાએક ઘટેલી ઘટનાને કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોને જોરદાર આંચકો લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી, આ ઘટનાને પગલે અમુક પેસેન્જરોમાં ભયગ્રસ્ત બન્યા હતા.

જો કે આ ઘટનામાં કોઈને ઈજા પહોચ્યાના સમાચાર મળ્યા નથી. આ ઘટનાને પગલે ઉચ્ચ રેલ્વે અધિકારીઓ અને પોલીસ સ્ટાફ અને ૧૦૮ની ટીમ તુરંત વાંસજાળિયા દોડી ગઈ હતી . રેલ્વે દ્વારા પણ આ બનાવને સંદર્ભે કોઈ કારણ આપ્યું નથી પરંતુ ઘટનામાં કોઈને ઈજા નહિ પહોચી હોવાનું જણાવ્યું છે. રેલ્વે પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર ત્રણેક કલાકની ટેકનીકલ ટીમની મહેનત બાદ ટ્રેનને ટ્રેક પર ફરીથી લઇ આવવામાં આવી હતી, આ ઘટનાને લઈને આ ટ્રેક પર આવી રહેલ પોરબંદર - મુંબઈ ટ્રેન ૪૦ મિનીટ અન્ય જગ્યાએ થંભાવી દેવામાં આવી હતી. કઈ રીતે ઘટના ઘટી છે આ બાબત અંગે રેલ્વેની ટીમે તપાસ હાથ ધરી છે.

(1:07 pm IST)