Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

પોરબંદરના ૪૯૩ કરોડના ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ કરવાના ગુનામાં પકડાયેલ ૩૯ આરોપીનો બિન-તહોમત છૂટકારો

આરોપીઓ દ્વારા ગેરકાયદે ટ્રાન્જેકશનો-એકસચેંજ ઉભા કરી શેરની લે-વેચ કરી સરકાર સાથે કરોડોની ટેક્ષ ચોરી કર્યાનું બહાર આવતા પોલીસમાં ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૮ :.. પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં સ્કાય ફીન સ્ટોક નામની ઓફીસમાં સને -ર૦૧૪ ની સાલમાં પોરબંદર એલ. સી. બી. પોલીસે રેઇડ કરી આશરે ૪૯૩ કરોડના ગેરકાયદેસર શેરના સોદાઓ કરી સરકારને અબજોનું નુકશાન કરવાના ગુન્હામાં પકડેલ તમામ આરોપીઓને ડબ્બા ટ્રેડીંગના ગુન્હામાં બિન-તહોમત છોડી મુકવા પોરબંદરની સ્પેશ્યલ સેશન્સ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, પોરબંદરના ગાયવાડી દેનાબેંક વાળી ગલીમાં સ્કાય ફીન સ્ટોક નામથી આરોપી જીતુ ઉર્ફે જીતેન્દ્ર જેઠાલાલ વાંદરીયાની ઓફીસે ગેરકાયદેસર શેર સટ્ટા અંગે રેઇડ કરતા આરોપી જીતુ તથા તેના ભાગીદાર રાજેશ પ્રધાનભાઇ ખોખરીનાઓએ ગેરકાયદેસર સ્ટોક એક્ષચેન્જ ઉભું કરી ગેરકાયદેસર શેરોની લે-વેચ કરી ડબ્બા ટ્રેડીંગ ચલાવતા હોવાનું જણાતા શેરના સોદાના હિસાબો લખેલ ચીઠ્ઠીઓ, બીલો, પેન ડ્રાઇવ, કોમ્પ્યુટર વિગેરે વસ્તુ કબ્જે કરી કૌભાંડની ઉંડાણ પૂર્વકની તપાસ કરતા કુલ ૩૯ વ્યકિતઓ વિરૂધ્ધ કેસ દાખલ કરેલ.

સરકારશ્રીની કાયદેસરની ટેક્ષની રકમ નહી ભરવા માટે શેરના સોદાઓની કપાત કરી સરકારશ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોવાનું જણાવી ધી સીકયુરીટીઝ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટની કલમ-૧૯, ર૩ (૧), બી.સી., ડી. ઇ., જી. એચ. આઇ તથા ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪ર૦ મુજબનું તહોમતનાબુ (૧) જીતુ ઉર્ફે જીતેન્દ્ર જેઠાલાલ વાંદરીયા (ર) નિલેશ પ્રભુદાસ જાદવાણી (૩) રાજેશ પ્રધાનભાઇ ખોખરી (૪) ચેતન માલદેભાઇ સોનરાત (પ) ધર્મરાજ મોહનભાઇ જાદવાણી  (૬) ધર્મેન્દ્ર ઉર્ફે ટીકુ રમણીકલાલ રાઠોડ (૭) અશ્વિન હીરાભાઇ નાંઢા (૮) હિતેન્દ્રસિંહ નાનુભા ચુડાસમા (૯) વિનોદ મોહનભાઇ રાજા (૧૦) મયુર દિનેશભાઇ સાકરીયા, (૧૧) સુધીર ઉર્ફે સતીષ લખમણભાઇ કારેણા (૧ર) જયેશ ઉર્ફે જલો કિશોરભાઇ ટાંક (૧૩) રોહીત રમેશભાઇ રાજયગુરૂ (૧૪) જતીન રમેશભાઇ પડાણીયા (૧પ) દિનેશભાઇ અમૃતલાલ રાયવડેરા (૧૬) ભરતભાઇ રામદેભાઇ ઓડેદરા (૧૭) રાજેશભાઇ જનકભાઇ મોઢા (૧૮) અશોક ભીખુભાઇ પાઠક (૧૯) કિરીટભાઇ વસંતજી ઠકરાર (ર૦) હસમુખભાઇ છગનલાલ તન્ના (ર૧) અજયભાઇ જગજીવનભાઇ મોનાણી (રર) રાજૂભાઇ નાગાજણભાઇ ઓડેદરા (ર૩) નટવરલાલ વલ્લભદાસ રાયચુરા (ર૪) ધીરેન્દ્ર ચુડાસમા (રપ) વિજય ત્રાંબડીયા (ર૬) ચંદ્રેશભાઇ થાનકી (ર૭) ભાવીન થાકી (ર૮) રામભાઇ કેશવાલા (ર૯) નરેન્દ્ર એરડા (૩૦) કેતન જાની (૩૧) ધીરેન જોષી (૩ર) કેયુર ઠાકર (૩૩) નિર્મળ મશરૂ (૩૪) ચેતના મોનાણી (૩પ) હીરેન  ભોજાણી (૩૬) લવ બુધ્ધદેવ (૩૭) ભુપતભાઇ ચંદે (૩૮) ભરત ઓડેદરા (૩૯) રીષી રાયઠ્ઠા, વિરૂધ્ધ કરવામાં આવેલ હતું.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલતે તહોમતદારોને બિનતહોમત છોડી મુકતા એવા તારણ ઉપર આવેલ કે સ્પેશ્યલ એકટનો જોગવાઈ મુજબ જ્યારે ફરીયાદ સેન્ટ્રલ ગવર્મેન્ટના અધિકારી, સ્ટેટ ગવર્મેન્ટના અધિકારી કે સ્ટોક એકસચેન્જના કોઈ  વ્યકિત દ્વારા દાખલ કરવામાં આવે અને એવી ફરીયાદ ક્રિ.પ્રો.કોડ જોગવાઈ મુજબ લેખિતમાં હોવી જોઈએ તે સંજોગોમાં જ આવા ગુન્હાનું કોગ્નીઝન્સ કોર્ટ લઈ શકે. આ કિસ્સામાં ફરીયાદ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલ છે અને તે કોર્ટ સમક્ષ લેખિત સ્વરૂપમાં નથી. આ સંજોગોમાં આરોપી તરફથી રજુ થયેલ ચુકાદાઓની હકીકતો ધ્યાને લેતા સિકયુરીટી કોન્ટ્રાકટ એન્ડ રેગ્યુલેશન એકટના ગુન્હાનું કોગ્નીઝન્સ લઈ શકે નહી તેવુ ઠરાવી બન્ને આરોપીઓને બિનતહોમત છોડી મુકવા ઉચીત માનેલ હતું. વિશેષમાં અદાલતે એવુ પણ નોંધેલ હતુ કે કેસમાં બિનતહોમત છોડી મુકવા માટે બે આરોપીઓએ જ અરજી દાખલ કરેલ છે પરંતુ કેસમાં કુલ ૩૯ આરોપીઓ છે અને તે આરોપીઓનો રોલ પણ હાલના બન્ને આરોપીઓ જેટલો જ છે જેથી તેઓની સામે પણ ગુન્હાનું કોગ્નીઝન્સ લઈ શકાય તેમ નથી તેમ ઠરાવી તમામ આરોપીઓને ડબ્બા ટ્રેડીંગના ગુન્હામાંથી બિનતહોમત છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજી દાખલ કરનાર બન્ને આરોપીઓ વતી જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ રોકાયેલ હતા તેમજ અન્ય આરોપીઓ વતી પોરબંદરના ભરતભાઈ લાખાણી, દિપકભાઈ લાખાણી, પ્રકાશભાઈ માંડવીયા, જય મહેતા, ડી.એમ. રૂપારેલીયા, સલીમ જોખીયા રોકાયેલ હતા.

(11:37 am IST)