Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વાંકાનેરમાં વાહન ચાલકો અને લોકો ગબડી પડે છે છતાં રસ્તા સુધરતા નથીઃ પાલિકા પ્લાસ્ટિક હટાવમાં પડી છે !

વાંકાનેર, તા. ૮ :. નગરપાલિકા દ્વારા કહેવાતી પ્લાસ્ટિક હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે પરંતુ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ગાબડા પુરવાની ઝુંબેશ હાથ ધરાતી નથી. ગ્રીનચોકમાં ભૂગર્ભની કુંડીઓના ખાડા તથા કુંડીઓના સિમેન્ટના ઢાંકણા રોડ ઉપર હોય અનેક વાહન ધારકો અને લોકો ગબડી પડે છે તે જ રીતે ગ્રીનચોકથી ચાવડીચોક સુધી ખોદાણ થયેલા રસ્તા તથા કુંડીઓ લોકોને વધુ પડતી નુકશાન કરી રહી છે જ્યારે ચાવડીચોકથી દરબારગઢ અને ચાવડીચોકથી માર્કેટચોક રોડ ઉપર પડેલા ખાડાઓ અને ભૂગર્ભના ઢાંકણાઓ લોકોને નુકશાન કરતા હોય નગરપાલિકાએ પ્લાસ્ટિક હટાવ ઝુંબેશની સાથોસાથ ખાડાઓ બુરવાની ઝુંબેશ હાથ ધરવી જોઈએ જ્યારે ગ્રીનચોકથી દાણાપીઠ સુધીનો રસ્તો કે જ્યાં ટ્રાફીકથી ધમધમતો રહે છે. તે વર્ષોથી બિસ્માર છે નગરપાલિકાએ બન્ને આંખો ખુલ્લી રાખવી જોઈએ.

ગ્રીનચોક જૂની પોલીસ ચોકી પાસેથી સામે પ્રતાપ રોડ આવેલ છે. ભમરીયા કુવા સુધીનો આ પ્રતાપ રોડ અતિબિસ્માર ઘણા સમયથી હોય, આ રસ્તો કયારે બનશે ? તેની રાહ જોવાઈ રહી છે.

લક્ષ્મીપરા ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્ક પાછળની શેરીમાં જાહેર નાલુ તેમજ લક્ષ્મીપરા-૧ પાસેનું જાહેર નાલુ ઘણા સમયથી તૂટેલા છે જે બન્ને નાલાની રજુઆતો છેલ્લા એક વરસથી નગરપાલિકાના સત્તાધિશો-અધિકારીઓને કરવામાં આવી હોવા છતા આ તૂટી ગયેલા નાલાઓમાં દરરોજ કુતરા, ભૂંડ, પશુ અને ચાલતા લોકો પણ ગબડી પડે છે ત્યારે તેમાથી કાઢવા અનેક લોકોની મદદ વડે બહાર કઢાય પણ નગરપાલિકા સુધી આ મુશ્કેલીઓની વાચા પહોંચતી નથી અથવા તો ભેદભાવ રાખવામાં આવે છે.

નગરપાલિકાની વિકાસની કામગીરી ગ્રાન્ટ હોવા છતા કાચબા ગતિએ ચાલે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હવે પુરતા સમયના હોવા છતાં ઓફિસે કયારેક જ જોવા મળે છે. પ્લાસ્ટિક હટાવ ઝુંબેશ કરતા ન.પા.એ વિકાસના અનિવાર્ય કામો, શહેરભરમાં પડેલા ગાબડા તાત્કાલીક બુરવા જોઈએ તેવી માંગણી સાથે હિલ ગાર્ડન બગીચાનું કામ અને શાહબાવા મિનારા પાછળ રહેલ જગ્યામાં પિકનીક સેન્ટર યાને બગીચાનું કામ તાત્કાલિક કરવા ન.પા.ના બાગબગીચા ચેરમેન શરીફાબેન મહંમદભાઈ રાઠોડે માંગણી ઉઠાવી છે.

(11:28 am IST)