Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કચ્છના દુષ્કાળ-પાણીના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કાલે વિજયભાઇ

બન્ની, નારાયણ સરોવર, ભુજમાં ગ્રામજનોને મળશેઃ ઢોરવાડામાં પરિસ્થિતિની માહિતી મેળવશે

ભુજ, તા.૮: લોકસભાની ચૂંટણી પછી ગુજરાત અને દેશભરના મીડીયામાં કચ્છની દુષ્કાળ અને પીવાના પાણીની ગંભીર પરિસ્થિતિ ચર્ચામાં છે. રાજયની ભાજપ સરકાર દુષ્કાળ અને અછતની પરિસ્થિતિને કાબુમાં લેવામાં કયાંક ને કયાંક ઉણી ઉતરી રહી હોવાની ટીકાઓ પણ થઈ રહી છે.

તેમાંયે કચ્છમાં તો પીવાના પાણીની અછત માનવ સર્જિત હોવાના મીડીયા અને શાસકપક્ષ ભાજપના આગેવાનોના મંતવ્યો વચ્ચે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કચ્છની મુલાકાત તો લીધી પણ અછતગ્રસ્ત વિસ્તારોમાં ન પહોંચ્યા એટલે તેમના પ્રવાસની ટીકા થતાં સરકાર હરકતમાં આવી ગઈ છે. જોકે, લોકસભાની ચૂંટણી ટાંકણે પણ ઢોરવાડા તેમ જ ગૌશાળા પાંજરાપોળના પશુઓની સબસીડીની બાકી રકમનો ઇસ્યુ ચર્ચામાં રહ્યો હતો. સાવ એવું પણ નથી કે, સરકારે કઇ કર્યું નથી, ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છનો પ્રવાસ કરીને અછતની આગોતરી જાહેરાત કરી દીધી હતી.

તે સિવાય ટ્રકો દ્વારા ઘાસ મોકલ્યું, ઘાસની બુમરાણ વધી એટલે મોડે મોડે રેલવે રેક દ્વારા ઘાસ મોકલ્યું, જે આજ દિન સુધી ચાલુ છે. પણ, ખરેખર પરિસ્થિતિ કપરી છે. કચ્છના ૧૮ લાખ પશુઓ માટે ઘાસની વ્યવસ્થામાં સરકારની પહેલ અને આગ્રહ પછી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે. પરંતુ, આભ ફાટ્યું છે, ત્યારે થિંગડું લગાડવાની વાત છે. પણ, આયોજન મુજબ રાપરની જેમ જો માંડવી સુધી નર્મદાનું સિંચાઈનું પાણી જો પહોંચી આવ્યું હોત તો કચ્છમાં દુષ્કાળની અસર ઘણી હળવી થઈ જાત. પણ, સૌથી મોટી મુશ્કેલી અત્યારે પીવાના પાણીની છે. કચ્છના ૮૧૭ ગામો, ૭ શહેરોના ૨૫ લાખની માનવ વસ્તી અને ૧૮ લાખ પશુઓ પીવાના પાણીની સમસ્યા થી ત્રસ્ત છે, સરકારી આંકડા અને જાહેરાત મુજબ નર્મદાનું પીવાનું પાણી કચ્છને અપાતું હોવા છતાં પણ પીવાના પાણીની મુશ્કેલીથી હેરાન પરેશાન છે.

સંભવતઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૯ મી તારીખે બુધવારે કચ્છનો પ્રવાસ કરે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે. જો છેલ્લી ઘડીએ કંઈ ફેરફાર ન થાય તો વિજય રૂપાણી દુષ્કાળથી અસરગ્રસ્ત એવા કચ્છના બે તાલુકાઓ પૈકી ભુજના બન્ની ના મીઠડી ગામનો પ્રવાસ કરશે, અહીંથી માલધારીઓની મોટી સંખ્યામાં હિજરત થઈ છે. તેમ જ આ વિસ્તાર અછતથી પ્રભાવિત છે. વિજયભાઈ મીઠડીના પ્રવાસ બાદ ધોરડો ગામે ગેટ વે ઓફ રણ રિસોર્ટમાં બેઠક યોજશે.

તે ઉપરાંત તેઓ લખપત તાલુકાના નારાયણ સરોવરની મુલાકાત લેશે. અહીં ગૌશાળા પાંજરાપોળ દ્વારા ચાલતા ઢોરવાડાની મુલાકાત લઈને અછતગ્રસ્ત લખપત અબડાસાની પરિસ્થિતિ વિશે માહીતી મેળવશે. આ ઉપરાંત નારાયણસરોવરમાં બંધ પડેલ આરઓ ડિસેલીનેશન પ્લાન્ટ (દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો) ફરી ચાલુ કરાવીને તેનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટ દ્વારા દરરોજનું એક લાખ લીટર પાણી મીઠું બનાવાશે. કચ્છના બન્ને આછતગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત બાદ વિજયભાઈ ભુજમાં અધિકારીઓ સાથે બેઠક કરશે અને રાજય સરકાર વતી જરૂરી સૂચનાઓ આપશે.

(11:44 am IST)