Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભાવનગર : શિહોરના આંબલા ગામે વૃદ્ધની હત્યાના કેસમાં આરોપીને કલમ ૩૦૪(ર) હેઠળ ૧૦ વર્ષની સજા

સાપરાધ મનુષ્યવધ હેઠળ આરોપીને કસુરવાર ઠરાવીને અદાલતે સજા ફટકારી

ભાવનગર, તા. ૮ : ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામના આશ્રમમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા શખ્સે ચા માં ઝેરી પદાર્થ પીવડાવી વૃદ્ધનું મોત નિપજાવવાના કેસમાં આરોપીને ૧૦ વર્ષની શખ્ત કેદની સજા અદાલતે ફરમાવેલ છે.

ત્રણ વર્ષ પૂર્વે ગત તા. ર૪/૬/ર૦૧૬ના રોજ રાત્રીના સાડા આઠથી સાડા દશ વાગ્યાના સુમારે આ કામના આરોપી તેજસ શાંતિલાલ પંડયા (રહે. સાંઇરામ સોસાયટી, જુનાગઢ) નામના શખ્સે ભાવનગર-રાજકોટ ઉપર આંબલા ાગમે આવેલ માનગરબાપુના આશ્રમમાં અનઅધિકૃત પ્રવેશ કરીને આ કામના ફરીયાદી બાલુબેન બળદેવગીરી ગૌસ્વામી તથા ફરીયાદીના પતિ બળદેવગિરી ગોસ્વામીને વ્યથા તથા હાની પહોંચાડવાના ઇરાદે ચા માં કોઇ ઝેરી કે ઘેનયુકત પ્રદાર્થ ભેળવી પીવડાવી ફરીયાદી પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો કુલ રૂ. ૯ર૦૦ની ચોરી કરી તથા ચા માં ઝેરી કે ઘેનયુકત પદાર્થ ભેળવી પીવરાવી ફરીયાદી ભાલુુબેનના પતિ બળદેવગીરી ડોલરગીરી ગૌસ્વામી ઉ.વ.૬૦ રહે. આંબલા નામના વૃદ્ધનું મોત નિપજાવી ખૂન કરેલ તથા ફરીયાદી બાલુબેનને પણ ઝેરી પદાર્થ પીવરાવી ખૂન કરવાની આરોપીએ કોશિષ કરેલ. આ અંગેની પોલીસ ફરીયાદ જે તે સમયે બાલુબેને સોનગઢ પોલીસ સ્ટેશનમાં આરોપી તેજસ શાંતિલાલ પંડયા સામે આપતા પોલીસે ઇપીકો કલમ ૩૦ર, ૩૦૭, ૩ર૮, ર૮૪, ૪પ૪, ૩૮૦ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ શુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો મૌખીક પુરાવા, ૧૭ દસ્તાવેજી પુરાવા ૩૯ વિગેરે ધયાને લઇ આરોપી તેજસ શાંતિલાલ પંડયા સામે ઇપીકો કલમ ૩૦૪(ર) અન્વયે ૧૦ વર્ષની શખ્ત કેદની સજા અને રૂ. પ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા, ઇપીકો કલમ ૩૦૭ મુજબ ૧૦ વર્ષની શખ્ત કેદની સજા, ઇપીકો કલમ ૩ર૮ મુજબના ગુનામાં પાંચ વર્ષની કેદની સજા અને રૂ. પ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૧૦ દિવસની સજા, ઇપીકો કલમ ૩૮૦ મુજબ ગુનામાં આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ. ૧ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા, ઇપીકો કલમ ૪પ૪ મુજબના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ. પ૦૦નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની કેદની સજા અદાલતે ફટકારી હતી.

(11:38 am IST)