Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

જૂનાગઢમાં એપલ કંપનીના આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝ વેચતા ચાર વેપારી ઝડપાયા

પોલીસ કાર્યવાહીમાં રૂ. ૨,૯૪,૨૫૦નો મુદામાલ કબ્જે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૮ :. જૂનાગઢમાં એપલ કંપનીના આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝના વેચાણનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસ કાર્યવાહીમાં ચાર વેપારીઓને રૂ. ૨,૯૪,૨૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં એપલ કંપનીના આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝનં વેચાણ થતુ હોવાની જાણ થતા કંપનીના અમદાવાદ સ્થિત વિશાલસિંહ હિરાસિંહ જાડેજાએ ગઈકાલે બી-ડિવીઝન પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી હતી.

જેમા શહેરના વણઝારી ચોક જયશ્રી રોડ અને તળાવ રોડ ખાતેના વેપારીઓને ત્યાં સર્ચ કરવામાં આવેલ.

આ કાર્યવાહીમાં જયેશ ઉર્ફે જેકી પ્રદીપભાઈ હરવાણી, જીતેન્દ્ર ભગવાનદાસ સંતાણી તથા ઉમંગ ગોપાલભાઈ ફળદુ અને પ્રિયેશ ભરતભાઈ રાયચુરાને ડુપ્લીકેટ એસેસરીઝ વેંચતા ઝડપી લેવામાં આવ્યા હતા.

આ ચારેય વેપારીને ત્યાંથી રૂ. ૨,૯૪,૨૫૦ની કિંમતની ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ અંગે વિશાલસિંહ જાડેજાની ફરીયાદ લઈ બી-ડિવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પોલીસે હાથ ધરી છે.

(12:59 pm IST)