Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ખંભાળીયાની યુવતિએ ગામ માથે લેતા પોલીસે દોડવુ પડયુઃ માનસિક અસ્વસ્થ નિકળી

મોઢે માસ્ક, હાથમાં ડાયરી અને ગમે તેના ઘરમાં ઘુસી મોબાઇલમાં ફોટા પાડી ભય ફેલાવતી : સલાયા નાકા પાસે હવેલી નજીક ટોળા એકત્રિત થયાં: પોલીસ પહોંચી તો તેને પણ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન - આઇજીને ફરીયાદ કરવાની ધમકી આપીઃ ભારે ઉધામા બાદ પોલીસ મથકે લઇ જવાઇ

- શહેરના કેટલાક વિસ્તારો માથે લેનાર માનસિક અસ્વસ્થ યુવતિનો વિડીયો વાયરલ થતાં મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી ગયો હતો. કેટલાક લોકોએ વિડીયો વાયરલ કરી લખ્યું હતું કે, આ છોકરીનું ધ્યાન રાખસો ઓચિંતી ઘરમાં ઘુસી વિડીયો ઉતારે ફોટા પાડે છે.

ખંભાળિયા તા.૮ : ખંભાળિયામાં ગઇકાલે માસ્ક પહેરી, હાથમાં ડાયરી, પેન અને લોકોના ઘરમાં ઘુસી નામ લખી મોબાઇલમાં ફોટા પાડતી એક યુવતીએ આખું ગામ માથે લીધુ હતુ. જુદા  જુદા વિસ્તારોમાં ફરી લોકોના ઘરમાં ઘુસી જતાં લોકો પણ ભયભીત થયાં હતાં. અંતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઇ હતી અને યુવતીની પુછપરછ કરતા માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યુ હતુ. જો કે પોલીસ પણ આ યુવતીને પકડવા જતા પોલીસને પણ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને આઇજીને ફરીયાદ કરવાની ધમકી આપી હતી.

એક બાજુ સરકારી તંત્રની લોકડાિઉનની ચુસ્ત અમલવારી કરાવવાના પગલે લોકો ઘરમાં જ લોકડાઉન થઇ ઘરમાં માંડ કરીને દિવસ કાઢી રહયા છે. તો બીજી તરફ તમારો કાંઇ વાંક ન હોય અને કોઇ ઘરમા઼ આવી તમારા ફોટા પાડે અને નામ લખી જાય તો બિન કસુરવારો તો ફાટી જ પડે.

ખંભાળિયામાં ગઇકાલે રાત્રીના એક યુવતી પોતે જાણે પોલીસ કે કોઇ અધિકારી હોય તેમ મોઢા પર માસ્ક, હાથમાં ડાયરી અને બોલપેન લઇ જે કોઇ મળે તેના નામ પુછી ડાયરીમાં નામ લખી તેના ફોટા પાડી લેતી હતી તો કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પણ ઘુસી જઇ આ પ્રકારે પુછપરછ કરતાં લોકો ભયભીત થયાં હતાં. રાત્રીના સમયે સલાયા નાકા નજીક આવેલી જુની હવેલી પાસે યુવતી એ ઉંધામાં લેતા લોકડાઉન તોડી રપ થી વધુ લોકોનું ટોળુ એકત્રિત થયુ હતુ. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસના યોગેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે સમજાવાના પ્રયત્ન કરતાં યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને આઇજી સુધી ફરીયાદ કરવાની ધમકી આપી હતી. જો કે માંડ કરીને યુવતિને પોલીસ મથકે લઇ જવામાં આવી હતી અને ત્યારબાદ તેમના પરિવારજનોની શોધખોળ પોલીસે હાથ ધરી હતી. કોરાનાના કહેરની માફક યુવતીએ ગઇકાલે શહેરના કેટલાક વિસ્તારમાં કહેર મચાવતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

(12:52 pm IST)