Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

આટકોટમાં મોડી રાત્રે દારૂડીયાઓએ મચાવ્યુ દંગલ

ગુનાહિત ઇતિહાસ ધરાવતા ત્રણેય શખ્સો વચ્ચે દારૂની મહેફિલ માણ્યા બાદ ઝગડો થતા મુખ્ય બજારમાં સોડાની બોટલોના ઘા કરતા લોકોમાં ભય

 આટકોટ તા. ૮ :.. આટકોટમાં ગત રાત્રે દારૂડીયાઓએ જાહેરમાં દંગલ મચાવી બેફામ સોડાની બોટલોના ઘા કરી મારામારી કરતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા આ બનાવની જાણ આટકોટ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલીક દોડી આવી હતી પરંતુ દારૂડીયાઓ નાસી ગયા હતા આ બનાવ અંગે રસીદાબેન યુસુફભાઇ સંધીએ આટકોટ પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત  વિગતો મુજબ ગત રાત્રીના મુખ્ય બજારમાં આવેલ સંધી શેરીમાં સદામ જાનમામદ જુણેજા, અફઝલ મહેબુબ ફોગ અને તાજેતરમાં જ ખુન કેસમાં જામીન ઉપર છૂટેલા યાસીન યુસુફભાઇ સંધી દારૂની મહેફીલ માણતા હતા એ દરમિયાન કોઇ બાબતે બોલાચાલી ત્રણેય વચ્ચે હાથો-હાથની જામી પડી હતી. ત્યારબાદ બાજુમાં આવેલ પાનની બંધ દુકાનની બહાર પડેલ સોડાની ખાલી બોટલોના મુખ્ય બજારમાં સામ-સામે ઘા કરતાં આજુબાજુમાં ભારે ભય ફેલાય ગયો હતો.

આ બનાવની જાણ રસીદાબેનના નાના પુત્રએ પોલીસમાં કરતા ગુનાહીત ઇતિહાસ ધરાવતા આ શખ્સોને સબક શિખવાડવા પોલીસના ધાડા ઉતરી પડયા પરંતુ આરોપીઓ નાસી છૂટયા હતાં.

આ બનાવથી લોક-ડાઉન હોવા છતાં અમે મોડી રાત્રી હોય તો પણ લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં.

પોલિસે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ આરોપીને ઝડપી પાડવા કોમ્બીંગ કર્યુ હતુ પરંતુ  આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા હતાં.

આ બનાવની ફરીયાદ રસીદાબેન યુસુફભાઇ સંધીએ સદામ જાનમામદ જુણેજા અને અફજલ મહેબુબ ફોગ વિરૂધ્ધ આટકોટ પોલીસમાં દાખલ કરતા આટકોટના બીટ જમાદાર એલ. જે. મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:17 pm IST)