Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

શાદી ડોટ કોમ દ્વારા સંપર્કમાં આવેલા વલસાડના શખ્સે બે વર્ષ સુધી મહિલા સાથે સબંધ બાંધી ૪ લાખ રૂપિયાની ઠગાઈ કરી

પતિથી અલગ રહેતી મહિલા અને છૂટાછેડા લીધેલો પુરૂષ શાદી ડોટ કોમ દ્વારા સંપર્કમાં આવ્યા બાદ બે વર્ષ રિલેશનશીપમાં રહ્યા

ભુજ તા. ૮ : ભુજના માધાપર ગામે રહેતી પતિ થી અલગ રહેતી ૪૨ વર્ષીય પરિણીતા શાદી ડોટ કોમ દ્વારા વલસાડના શૈલેષ મહેન્દ્ર સોલંકી નામના શખ્સના પરિચયમાં આવી હતી. શૈલેષ ના છૂટાછેડા થયા હતા. બન્ને ને એક એક સંતાન પણ હતું. દરમ્યાન ફરિયાદી મહિલાનો છુટાછેડાનો કેસ ચાલતો હોઇ શૈલેષ અને મહિલા બન્ને મૈત્રી કરાર સાથે રિલેશનશીપમાં રહેતા હતા.

વલસાડ છોડીને માધાપર વસી ગયેલા શૈલેષે ફરિયાદી મહિલા સાથે શરીર સબંધ રાખી અને પત્નીની જેમ જ તેની સાથે વ્યવહાર કરતો હતો. જોકે, મહિલાના છુટાછેડા થઈ ગયા બાદ શૈલેષે લગ્ન કરવાનો વાયદો નિભાવ્યો નહોતો. તેની વચ્ચે શૈલેષે ફરિયાદી મહિલા પાસેથી એક લાખની રોકડ, સોનાની બે બંગડીઓ સહિત ત્રણેક લાખ રૂપિયા સાઉન્ડ સિસ્ટમના ધંધા માટે લીધા હતા.

જોકે, ત્યારબાદ શૈલેષે લગ્ન પણ ન કર્યા અને રૂપિયા પણ પાછા ન આપ્યા એટલે મહિલાએ ભુજ બી-ડિવિઝન પોલીસમાં વલસાડના શખ્સ શૈલેષ મહેન્દ્ર સોલંકી વિરુદ્ઘ વિશ્વાસઘાત, ઠગાઈ અને પોતાની મરજી વિરુદ્ઘ શરીર સબંધ બાંધવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે

(11:33 am IST)