Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

ન્યારા પાસે મધરાત્રે ટ્રક ચાલક-ખેડૂતને હાઈવે ગેંગે લૂંટી લીધા

રાજકોટ - જામનગર હાઈવે પર પડધરી અને ન્યારા નજીક ટૂંકા ગાળામાં બનેલી આ ત્રીજી ઘટનાથી વાહનચાલકોમાં અસલામતીનું મોજુઃ જામકલ્યાણપુરના ખેડૂત પુંજાભાઈ સોવાણીયા મરચુ વેચવા રાજકોટ યાર્ડમાં આવી રહ્યા હતા : ન્યારા પાસે રસ્તા પર ખિલ્લા ગોઠવી પૂર્વયોજીત રીતે ટ્રકમાં પંકચર પડાયાની શંકા : આગલુ ટાયર જેક ચડાવી બદલી રહ્યા હતા ત્યારે અંધારામાંથી ધસી આવેલા અજાણ્યા ૩-૪ શખ્સોએ પથ્થરમારો કરી બે મોબાઈલ- ૮ હજાર રોકડા લૂંટી લીધા : ઈજાગ્રસ્ત ખેડૂત પૂંજાભાઈ અને ચાલક સારવાર માટે હોસ્પિટલમાં

રાજકોટ, તા. ૮ : જામનગર - રાજકોટ હાઈવે ઉપર રાજકોટની ભાગોળે ન્યારા ગામના પાટીયા પાસે મધરાત્રે આશરે ત્રણ વાગ્યા આસપાસ ટ્રકમાં પંકચર પડતા વ્હીલ બદલી રહેલા ટ્રકચાલક અને ખેડૂતને પથ્થરમારો કરી લૂંટ ચલાવતી હાઈવે ગેંગે લૂંટી લીધા હતા. આ ઘટનામાં પથ્થરમારાથી ઈજા પામેલા જામકલ્યાણપુરના ખેડૂત પુંજાભાઈ સોવાણીયા અને ચાલક કિશનભાઈને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટના વખતે ખેડૂત પૂંજાભાઈનો કૌટુંબિક ભાણેજ પુનાભાઈ ભુરાભાઈ માણેક (ઉ.વ.૩૦) પણ હાજર હતો. પરંતુ ગોખણની જેમ થયેલા પથ્થરમારાથી ગભરાઈ જીવ બચાવવા નાસી છૂટ્યો હતો.

આ ઘટનામાં પૂર્વ યોજીત રીતે હાઈવે પર ખિલ્લા જેવા તિક્ષ્ણ લોખંડ ગોઠવી પંકચર પાડવામાં આવ્યુ હોવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજકોટનું એક દંપતિ પડધરી નજીક જમવા ગયુ હતું ત્યારે પણ કારમાં પંકચર પડતા વ્હીલ બદલી રહ્યા હતા ત્યારે આવી જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવવામાં આવી હતી.

હોળી - ધૂળેટીના તહેવારો પૂર્વેથી લૂંટનો આ સીલસીલો જુદી જુદી જગ્યાએ ચાલુ થયો છે. પોલીસ આ લૂંટમાં આદિવાસી ગેંગ સંકળાયાનું અનુમાન લગાવી રહી છે. જો કે હજુ સુધી એક પણ બનાવનો ભેદ ખુલ્યો નથી. ગઈરાત્રે બનેલો બનાવ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદમાં બન્યો હોવાથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી.વાળા અને પોલીસમેન વીરભદ્રસિંહે ઈજાગ્રસ્ત ખેડૂતની ફરીયાદ પરથી ગુન્હો નોંધી અજાણ્યા શખ્સોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(11:33 am IST)