Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

હોળીના પર્વને લઇ ડાકોરના ધામમાં તડામાર તૈયારી જારી

લાખો શ્રદ્ધાળુઓ માટે રણછોડરાય મંદિર પહોંચશેઃ પુલવામા હુમલા બાદ એલર્ટને લઇ ડાકોરમાં સલામતીની મજબૂત વ્યવસ્થા : ફાગણી પૂનમે લાખો શ્રદ્ધાળુ પહોંચશે

ડાકોર,તા. ૮: રંગોના પર્વ હોળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભગવાન રણછોડરાયજીના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ફાગણ મહિનાની પૂનમે ઊભરાતા ભાવિકોના મહેરામણનાં પગલે હોળીનાં અઠવાડિયાં પહેલાથી શહેરના ભક્તો મોટી સંખ્યામાં પગપાળા ડાકોર જવા નીકળે છે. લાખોની સંખ્યામાં ભક્તો ઊમટતા હોઈ ડાકોરમાં રણછોડજીના દર્શનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. આ દિવસોમાં દર્શન વહેલી પરોઢિયે ખૂલી જઈ રાત્રે ૮ વાગ્યા પછી બંધ થશે. આતંકી હુમલા સહિતની ઘટનાને પગલે સર્જાયેલી સ્થિતિને લઈને મંદિર પ્રાંગણમાં અને તેની ફરતે વિશેષ લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઇ છે. સુરક્ષાના ભાગરૂપે નિજ મંદિરમાં પ્રવેશ બંધ રહેશે. ઉપરાંત તા. ૧૯ થી ૨૧ માર્ચ સુધી પરિક્રમા બંધ રાખવામાં આવી છે. આ દિવસોમાં બહારના રાજભોગ, ગાય પૂજા તેમજ તુલા પણ બંધ રહેશે . આ ઉપરાંત રામ ઢોલ લઈને કે બૂટ-ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશ નહીં અપાય. તા. ૨૦ માર્ચ મળસ્કે ૩-૪૫ વાગ્યે નિજ મંદિર ખૂલી ૪ વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ ૭-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. ૭-૩૦ થી ૮ વાગ્યા સુધી દર્શન બંધ, ૮ થી ૨-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. બપોરે ૨-૩૦ થી ૩ દર્શન બંધ, ૩ થી ૫-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. સાંજે ૫-૩૦ થી ૬ દર્શન બંધ. ૬ વાગ્યે ઉત્થાપન આરતી, ૮ વાગ્યા સુધી દર્શન ખુલ્લાં થશે. રાત્રે ૮ થી ૮-૧૫ દર્શન બંધ રહેશે. રાત્રે ૮-૧૫ સુખડી ભોગ ધરાવી અનુકૂળતાએ ભગવાન પોઢી જશે (દોલોત્સવ). તા.૨૧ માર્ચ પરોઢિયે ૪-૧૫ વાગ્યે નિજ મંદિર ખૂલી ૪-૩૦ વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ ૮-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. ૮-૩૦ થી ૯ દર્શન બંધ. ૯ થી ૧ વાગ્યા સુધી શ્રી ગોપાલલાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે. ૧ થી ૨ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે ૨ થી ૩-૩૦ વાગ્યા સુધી ભગવાનને રાજભોગ ધરાવાશે. જેથી દર્શન બંધ રહેશે.૩-૩૦ થી ૪-૩૦ સુધી દર્શન ખુલ્લાં રહેશે. સાંજે ૪-૩૦ થી ૫ વાગ્યા સુધી દર્શન બંધ સાંજે ૫ વાગ્યે નિજ મંદિર ખૂલી ૫-૧૫ વાગ્યે ઉત્થાપન આરતી થયા બાદ નિત્ય ક્રમાનુસાર અનુકૂળતાએ ભગવાન પોઢી જશે. આમ, ડાકોરના ઠાકોરના ધામમાં હોળી-ધૂળેટીના પર્વને લઇ ઉમટનારા લાખો શ્રધ્ધાળુઓના દર્શનને લઇ મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર વિશેષ વ્યવસ્થા અને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

 

(10:07 pm IST)