Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

લોહીલોહાણ કેદીનો મોબાઇલ વિડીયો મામલે જૂનાગઢ જેલમાં પ્રતિબંધિત મોબાઇલ કયાંથી આવ્યો? : જેલ તંત્રની મિલીભગતની આશંકા

અગાઉ ઘણી વખત જેલમાંથી મોબાઇલ, સીમકાર્ડ કબ્જે થયેલ

 જૂનાગઢ તા. ૮ : જૂનાગઢ જેલના લોહીલોહાણ કેદીનો મોબાઇલ વિડીયો વાયરલ થતાં અનેક સવાલ ઉઠયા છે. જેલમાં મોબાઇલ પ્રતિબંધિત હોવા છતાં કેદી પાસે મોબાઇલ આવ્યો કયાંથી? તેવા સવાલનો જવાબ મળતો નથી.

જૂનાગઢ જેલમાં રહેલા જૂનાગઢના કડિયાવાડનો કેદી વિજય કાનજીભાઇ સોલંકીએ મોબાઇલ ફોનમાં સેલ્ફી ઇન્ટરવ્યુ સાથેના બે વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ કરતા ખળભળાટ મચી ગયો હતો.

વિડીયોમાં આ શખ્સે જેલમાં રહેલા બુટલેગર ધીરેન કારીયાએ વિજય સોલંકી અને અન્ય કેદીઓને માર મારીને ગંભીર ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમજ વિજય સોલંકીએ એવો પણ આક્ષેપ કરેલ કે, જુનાગઢ જેલમાં બુટલેગરોનું રાજ ચાલે છે. જેલમાં દારૂની બોટલો આવે છે. જેલમાં મોંઘા મોબાઇલ આવતા હોવાનો અને અમને ઇજાગ્રસ્તોને સારવારમાં લઇ જવાને બદલે અંધારી કોટડીમાં ધકેલી દેવામાં આવ્યા હોવાના વિવિધ આક્ષેપ કર્યા છે.

જેલમાં મોબાઇલ પ્રતિબંધિત હોવા છતાં આવ્યો કઇ રીતે? તેવો સવાલ ઉઠયો છે.

જેલ પ્રશાસને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને જેલ તંત્રએ કડક પગલા લીધા હોય જેથી સ્ટાફ ઉપર દબાણ લાવવા ફોટ કર્યો હોવાનું જણાવીને પોતાનો બચાવ કર્યો છે. પ્રાથમિક તપાસમાં લોહીલોહાણ હાલતનો વિડીયોમાં કેદીએ જાતે દિવાલ સાથે માથુ અથડાવીને ઇજા પહોંચાડી હોવાનું અન્ય કેદીઓએ નિવેદન આપ્યું હોવાનું જેલ તંત્ર જણાવે છે. અગાઉ પણ જૂનાગઢ જેલમાંથી મોબાઇલ - સીમકાર્ડ સહિત પ્રતિબંધીત વસ્તુઓ અનેક વખત કબ્જે થયેલ. હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે પરંતુ જેલ તંત્ર શંકાના પરિઘમા આવી ગયું છે.

(3:53 pm IST)