Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

પડકારોમાં ઝઝુમવુ એ જ સ્ત્રી શકિતઃ આદ્યાશકિતબેન મજમુદાર

બાળકી સ્વરૂપે હોયએ ત્યારે કુંવારીકા સ્વરૂપે પૂજાય છે. પરણીને પતિના ઘરે જઈએ ત્યારે લક્ષ્મી તરીકે પૂજાય છે. એક બાળકને જન્મ આપે ત્યારે માતા તરીકે પૂજાય છે અને સ્ત્રી વિધવા થાય ત્યારે ગંગાસ્વરૂપ તરીકે પૂજાય છે : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે જૂનાગઢના મેયરની અકિલા સાથે વાતચીતઃ વિકાસ યાત્રામાં મહિલાઓનું અનેકગણુ યોગદાન

રાજકોટ, તા. ૮ :. આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશની મહિલાઓએ આકાશથી લઈને સરહદ સુધી અને ઘરથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ સુધી દેશનું નામ રોશન કર્યુ છે. આજે દુનિયામાં એકેય એવુ ક્ષેત્ર નહિ હોય કે જ્યાં ભારતીય મહિલાઓના પગલા પડયા ન હોય. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ મહિલાઓના હિતમાં અનેક કાર્યો કરે છે અને અનેક યોજનાઓના સહયોગથી મહિલાઓને પગભર કરવા માટે કાર્યરત છે. ઘરેલુ હિંસા, શંકા-કુશંકા, બાળકોની સોંપણી, સ્ત્રીધન જેવા સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પગલા ભરીને મહિલાઓને ન્યાય અપાવવા અને ગુજરાતની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટીબદ્ધ બને તે તરફ આગળ વધે છે.

ત્યારે આજે વિશ્વ મહિલા દિવસ નિમિતે જૂનાગઢ ભાજપ શાસિત કોર્પોરેશનમાં મેયર તરીકે સેવા આપતા આદ્યાશકિતબેન મજમુદારની અકિલા સાથે વિશેષ મુલાકાત રજુ કરવામાં આવી છે.

મહિલા નેતૃત્વ સામે કયા પડકારો છે અને મહિલા નેતૃત્વની વિશેષતા અંગે મેયર આદ્યાશકિતબેન મજમુદારે જણાવ્યુ હતુ કે, હું એવું માનુ છું કે મહિલા નેતૃત્વ સામે કયારેય પડકારો હોતા નથી. મહિલા એક કુશળ વહીવટદાર હોય છે. ખૂબ બખુબીથી જે મહિલા ઘર નિભાવી શકતી હોય છે. સવારથી જ સ્ત્રી શકિત પોતાની કાર્યશકિતનો અનુભવ શરૂ કરી દે છે અને સવારે બાળકોને સ્કૂલે મોકલવાથી લઈને પોતાના પતિને ઓફિસ કે વ્યવસાયે જવા માટે અને ઘરકામની સાથોસાથ સામાજિક જવાબદારીઓ નિભાવી શકે છે.

મેયર આદ્યાશકિતબેન મજમુદારે અકિલાને વધુમાં જણાવ્યુ હતુ કે, પડકારોમાં ઝઝુમવુ એ જ સ્ત્રી શકિત છે. મહિલા નેતૃત્વ ખૂબ જ સબળતાપૂર્વક મહિલાઓ નિભાવે છે. કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામન, સુષ્મા સ્વરાજ સહિતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને મને પણ ગૌરવ છે કે, હું ભાજપના નેતૃત્વમાં દેશ અને શહેરની સેવા કરી રહી છું.

મેયર આદ્યાશકિતબેન મજમુદારે જણાવ્યુ હતુ કે, મારા નેતૃત્વ હેઠળ અનેક વિકાસકાર્યો થઈ રહ્યા છે. જેમ કે ભાજપની બોડીમાં મને કામ કરવાનો મોકો મળ્યો છે અને છેલ્લા બે વર્ષમાં મજવડી દરવાજો, દામોદર કુંડ, સરદાર ગેઈટ સહિતના અનેક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે જેનુ મને ગૌરવ છે. જૂનાગઢની જનતાને વર્ષો પહેલા ટાવરના ડંકા સંભળાતા હતા તે ફરીથી આજની પેઢી પણ સાંભળતી થઈ છે તેનુ મને ગૌરવ છે અને જૂનાગઢની જનતાને નવલુ નઝરાણુ આપવા પણ અમે પ્રયત્નો કર્યા છે. જૂનાગઢ શહેરનો વધારેમાં વધારે વિકાસ થાય તેમ જ લોકો પણ જૂનાગઢને જાણે તે માટે હું પ્રયત્ન કરી રહી છું.

આદ્યાશકિતબેન મજમુદારે જણાવ્યુ હતુ કે, જૂનાગઢને આમ તો કુદરતી સૌંદર્ય આપ્યુ છે તેમજ હિમાલયના પ્રપિતા સમાન ગીરનારની છત્રછાંયા નીચે કામ કરવાનો મોકો મળ્યો છે. કુદરતી સૌંદર્ય છે અને ખૂબ જ સારી પોઝીટીવ ઉર્જા મળી રહી છે. નરસિંહ મહેતાની ચેતના આજે પણ જૂનાગઢમાં મળી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે અને મને ગર્વ છે કે હું નરસિંહ મહેતાની વારસ છું.

જૂનાગઢના વિકાસમાં મહિલાઓનું યોગદાન કેવું છે ? તે અંગે મેયર શ્રીમતી આદ્યાશકિતબેન મજમુદારે જણાવ્યુ હતુ કે, જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપ શાસિત બોડી ખૂબ જ સુંદર રીતે કામગીરી રહી છે અને મહિલા કોર્પોરેટરો અને શહેરની મહિલાઓ પોતાનું યોગદાન આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢની વિકાસયાત્રામાં ખૂબ જ સહયોગ આપે છે. નરેન્દ્રભાઈ મોદીની નેતાગીરી દેશને વિકાસયાત્રામાં આગળ ધપાવે છે.

મેયર શ્રીમતી આદ્યાશકિતબેન મજમુદારે વધુમાં જણાવ્યુ કે, મહિલાઓ સંઘર્ષ કરે તો જ આગળ વધી શકે છે, મેં પણ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મહિલા મોરચામાં મહામંત્રી જૂનાગઢ શહેરના પ્રમુખ બે વખત કોર્પોરેશનની ચૂંટણી પણ લડી છું તેમા પરાજયનો સામનો પણ કર્યો છે તેમ છતા પણ હિંમત હાર્યા વગર આગળ વધવા માટે સતત કાર્યરત રહી છું.

મેયર શ્રીમતી આદ્યાશકિતબેન મજમુદારે અંતમાં કહ્યુ કે, બાળકી સ્વરૂપે હોયએ ત્યારે કુંવારીકા સ્વરૂપે પૂજાય છે. પરણીને પતિના ઘરે જઈએ ત્યારે લક્ષ્મી તરીકે પૂજાય છે. એક બાળકને જન્મ આપે ત્યારે માતા તરીકે પૂજાય છે અને સ્ત્રી વિધવા થાય ત્યારે ગંગાસ્વરૂપ તરીકે પૂજાય છે.

(3:52 pm IST)