Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

૧૩-૧૩ વર્ષના વ્હાણા વિતી ગયા છતા

ધોરાજીના નિવૃત સૈનિકોને સાંથણીની જમીન ન મળતા રાજયપાલ-લોકાયુકતને ફરિયાદ

ધોરાજી, તા.૮: ધોરાજીના બે પૂર્વ સૈનિકોને સરકાર તરફથી મળતી સાથણીની જમીન બાબતે છેલ્લા ૧૩ વર્ષથી સરકાર સામે લડી રહ્યા છે છતાં પણ ચોટીલાના આકડીયા ગામ જમીન નહીં મળતા અંતે રાજયપાલશ્રી અને લોકાયુકતને લેખિતમાં ફરિયાદ કરી છે.

એકબાજુ દેશભકિતની વાતો અને દેશભકત સૈનિકોની પણ વાતો તો બીજી બાજુ ૩૭ જેટલા નિવૃત્ત સૈનિકોને ચોટીલાના આંકડિયા ગામે જમીન હજુ સુધી ફાળવી નથી ૧૩ વર્ષથી સૈનિકો પાસે કાગળિયાની ફાઈલો પડી છે પરંતુ સરકારી અધિકારીઓ નિવૃત્ત સૈનિકોને ધક્કા ખવડાવે છે

ધોરાજીના પૂર્વ સૈનિક ગંભીરસિંહ મહોબતસિંહ વાળા અને રમણીકભાઈ વઘાસિયાએ ગુજરાત સરકારના અધિકારીઓ છેલ્લા ૧૩ વર્ષથી સાથણીની જમીન બાબતે હુકમ કરેલ છતાં પૂર્વ સૈનિકોને જમીન નહીં ફાળવાતા અંતે બંને સૈનિકોએ રાજયપાલ અને લોકાયુકતમાં ફરિયાદ કરી છે.

પૂર્વ સૈનિક ગંભીરસિંહ મહોબતસિંહ વાળા અને પૂર્વ સૈનિક રમણીકભાઈ વઘાસિયાએ જણાવેલ કે અમો માજી સૈનિકો છીએ અને ભારત સરકારના નિયમ પ્રમાણે અમોને ચોટીલાના આકડીયા ગામ ખાતે સાથણીની જમીન અમોને માત્ર કાગળ ઉપર મળી છે આ જમીન મેળવવા માટે અમો ૩૧/ ૭/ ૨૦૦૬ થી ૯૩ જેટલા નિવૃત્ત સૈનિકો જમીનનો કબજો મેળવવા માટે સરકારની સામે લડી રહ્યા છે પરંતુ સરકારના આદેશ હોવા છતાંય આ વિસ્તારના અધિકારીઓ સૈનિકો પ્રત્યે ધ્યાન દેતા નથી. આ ગંભીર બાબત અંગે રાજય સરકારના મુખ્યમંત્રીશ્રી મહેસુલ વિભાગ વિજય વિભાગોમાં પણ અમોએ લોકશાહી ઢબે અનેક અરજીઓ કરી છે છતાં પણ આજ સુધી એક પણ અધિકારીએ સૈનિકો માટે કામ નથી કર્યુ.

વારંવાર રજૂઆતને ધ્યાનમાં રાખી કુલ ૯૩ અરજદારો પૂર્વ સૈનિકો હતા જેમાંથી હજુ ૩૭ જેટલા પૂર્વ સૈનિકોને જમીન નથી મળી આ બાબતે બંને પૂર્વસૈનિકોએ જણાવેલ કે એક બાજુ દેશ માટે બલિદાન આપનાર સૈનિકોને પણ જો ન્યાય ન મળે તો મારે હવે કયાં જવું

આ બાબતે અમોને ન્યાય નહીં મળે તો નાછૂટકે પૂર્વસૈનિકોએ પોતાના પ્રશ્નના હક માટે ગુજરાત નામદાર હાઇકોર્ટમાં અમારે જવાની ફરજ પડશે.

સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર શ્રી ચોટીલાના ડેપ્યુટી કલેકટર શ્રી અને મામલતદાર ચોટીલા આ બાબતે તાત્કાલિક ગંભીરતા લ્યે નહિતર અમો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ ન્યાય મેળવવા માટે અમારી ફરજ પડશે તેમ ૩૭ પૂર્વસૈનિકો વતી ગંભીરસિંહ વાળા અને રમણીકભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું.(૨૩.૨)

(12:08 pm IST)