Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

અમરેલી જિલ્લા અયોજન મંડળની બેઠક ફળદુની અધ્યક્ષતામાં સંપન્ન

અમરેલી, તા.૮: અમરેલી જિલ્લા આયોજન મંડળની  જિલ્લા પ્રભારીમંત્રી આર. સી. ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વર્ષ ૧૮-૧૯ માટે મંજુર થયેલા વિકાસકામોની સમીક્ષા કરી હતી. કલેકટર કચેરી - અમરેલી ખાતે યોજાયેલ બેઠકમાં મંત્રીશ્રીએ મંજુર થયેલ વિકાસકામો સમયમર્યાદામાં પુર્ણ કરવાની  સાથે ગુણવતા જાળવવા અનુરોધ કર્યો હતો.

પ્રભારીમંત્રી ફળદુએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી- પદાધિકારીશ્રીઓને આયોજન મંડળમાં રજુ થયેલા લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી, રસ્તા અને ગટર જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા ધરાવતા લોક સુવિધાના કામોને પ્રાથમિકતા આપવા મંજૂર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર આયુષ ઓકએ મંજુર થયેલ કામો સત્વરે સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રવજીભાઈ વાઘેલા, ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત, ધારાસભ્યશ્રી અમરીશ ડેર, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એમ. પાડલીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી ટોપરાણી, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

જળસંચયન કામો અમલીકરણ માટે સમિતિની રચના કરાઇ

 નર્મદા, જળસંપત્ત્િ।, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગો દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મોટા પાયે જળ સંચયના કામો હાથ ધરાશે. જેમાં હયાત તળાવો ઊંડા, હયાત ચેકડેમો/ નદીનું ડિસીલ્ટીંગ તેમજ રીપેરીંગ, નદી કાંઠા પર વૃક્ષારોપણ અને નદીના પ્રવાહોમાં અવરોધરૂપ ઝાડીઝાંખરા દૂર કરવાની કામગીરીના આયોજન તથા અમલીકરણ માટે સમિતિની રચના કરવામાં આવી છે.

આ કમિટીના અધ્યક્ષપદે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, સભ્ય સચિવ પદે જળ સિંચન વિભાગના કાર્યપાલક ઈજનેર અને નોડલ અધિકારી તરીકે નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ પેટા વિભાગ અમરેલીનો સમાવેશ થાય છે. નોડલ અધિકારીશ્રી કાર્યપાલક ઇજનેરશ્રીએ થયેલ કામગીરીની સમયાંતરે સમીક્ષા કરી અધ્યક્ષશ્રીને માહિતગાર કરશે.

બાબરા ખાતે ૨૭ માર્ચે સ્વાગત કાર્યક્રમ

તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ 'સ્વાગત' ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનું વિસ્તરણ કરી ગ્રામ સ્વાગત સુધી લઇ જવાયેલ છે. જે અંતર્ગત ૨૭ માર્ચે યોજાનાર કાર્યક્રમ માટેના બાબરા તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૧૫ માર્ચ સુધી મામલતદારશ્રી અને તાલુકા એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કચેરી બાબરાને પહોંચાડવાની રહેશે. અરજીના મથાળે મોટા અક્ષરે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખીને તેમજ 'ગ્રામ સ્વાગત'ના પ્રશ્નો ગ્રામ પંચાયતથી કોમ્પ્યુટરમાં ઓનલાઇન દાખલ કરી હાર્ડ કોપી તાલુકા પંચાયત બાબરા ખાતે રજૂ કરવાની રહેશે.

(12:07 pm IST)